મુંબઇ, તા. 8 : ટ્રમ્પના ટેરિફ એલાનને પગલે
ધરાશાયી થયેલાં વિશ્વ શેરબજારોને કળ વળી હોય તેમ મોટાભાગના બજારોમાં ઉછાળો જોવા મળતાં
ભારતીય શેરબજાર પણ મંદીના આંચકાને પચાવી આજે ઉછળ્યાં હતાં. મુંબઇ શેરબજારનો સૂચકાંક
સેન્સેક્સ દસ મહિનાના સૌથી ભારે કડાકા બાદ આજે 1089 અંક વધીને 74,277.08ના સ્તરે બંધ આવ્યો હતો. આ વધારાને પગલે રોકાણકારોની મૂડીમાં
7.32 લાખ કરોડ ઉમેરાયા હતા. નિફ્ટી-ફિફ્ટી
આજે 374.25 અંકના વધારા સાથે 22,535.85 થયો હતો. સેન્સેક્સમાં કારોબાર
દરમ્યાન 1721.49 અંક ઉછળીને 74,859.39ના સ્તરે પહોંચ્યો હતો. ચોમેર
લેવાલીને પગલે બીએસઇ મિડકેપ 729.48 (1.87 ટકા) વધીને 39,837.44 અને સ્મોલકેપ 958.06 (2.18 ટકા) ઉછળીને 44,932.42 થયા હતા. દરમ્યાન, મંગળવારે અમેરિકાનો ડાઉ જોન્સ આરંભિક કારોબારમાં
830 અંક (2.19 ટકા) જેટલો ઉછળીને 38,796.50ના સ્તરે કારોબાર કરી રહ્યો
હતો.એશિયા અને યુરોપના બજારોના સકારાત્મક વલણના સથવારે સ્થાનિક બજારમાં નવી આશા જાગી
હતી અને સમગ્ર સત્રમાં બજાર તેજીતરફી રહ્યું હતું. સતત ત્રણ સત્રમાં ઘટયા બાદ આજે એક
તબક્કે સેન્સેક્સ 1721.49 અંક
(2.35 ટકા) વધીને ઈન્ટ્રાડેમાં 74,859.39 અંક ઉપર પહોંચ્યો હતો. સતત
ત્રણ સત્રમાં ઘટયા બાદ નિફ્ટી પણ એક તબક્કે 535.6 અંક (2.41 ટકા) વધીને
ઈન્ટ્રાડેમાં 22,697.20 અંક સુધી ઉપર પહોંચ્યો હતો.સેન્સેક્સમાં પાવરગ્રીડને છોડીને
બાકીની તમામ કંપનીઓના શેર્સ વધવાતરફી હતા. ટાઈટન,
બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, લાર્સન
એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ,
એશિયન પેઈન્ટસ અને ઝોમેટો સૌથી વધુ વધ્યા હતા. નિફ્ટીમાં જિઓ ફાઈનાન્શિયલ
સર્વિસિસ, શ્રીરામ ફાઈનાન્સ, ટાઈટન સિપ્લા
અને ભારત ઈલેક્ટ્રોનિક્સ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે ફકત પાવરગ્રીડ
સાધારણ ઘટયો હતો. વૈશ્વિક બજારોમાં સોમવારે પ્રચંડ વેચવાલી જોવા મળી હતી. ત્યારબાદ
મંગળવારે મોટેભાગે શોર્ટ કવરિંગનું વાતાવરણ હતું. એશિયન બજારોમાં ટોકિયોનો નિક્કી 225 ઈન્ડેક્ષ, હોંગકોંગનો હેંગસેંગ, શાંઘાઈનો એસએસઈ કોમ્પોઝિટ ઈન્ડેક્ષ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્ષ વધ્યા
હતા. નિક્કી 225 ઈન્ડેક્ષ
છ ટકા વધ્યો હતો. યુરોપિયન બજારો પણ વધવાતરફી હતા.એક્સ્ચેન્જના એક અહેવાલ મુજબ એફઆઈઆઈએ
સોમવારે રૂા. 9040.01 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે ડીઆઈઆઈએ 12,122.45 કરોડના શેર ખરીદ્યા હતા.