નવી દિલ્હી, તા. 17 : મુંબઈની
તાજ હોટેલમાં 26-11ના થયેલા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી
હાફિઝ સૈયદની સુરક્ષામાં પાકિસ્તાને વધારો કર્યો હોવાની વિગતો સાંપડી હતી. તેના
નજીકના મનાતા અબુ કતાલની હત્યા બાદ આઈએસઆઈએ સૈયદનાં ઘરને સબજેલમાં બદલી નાખ્યું
હતું. એક મીડિયા હેવાલ મુજબ,
આતંકવાદી સૈયદ પર અનેક વખત જીવલેણ હુમલાઓ થયા છે, પણ દરેક વખતે બચવામાં તે સફળ રહે છે. અલબત્ત, તેના
સહયોગી અબુ કતાલની હત્યા બાદ પાકની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ તેની સુરક્ષાની સમીક્ષા
કરી હતી અને તેના ઘરને એક સબજેલમાં ફેરવી દીધું હતું, જેની
પુષ્ટિ પાકના એક પત્રકારે કરી હતી. જો કે, તે વચ્ચે પાકે
દાવો કર્યો હતો કે, હાફીઝ આતંકી ભંડોળના આરોપમાં સજા ભોગવી
રહ્યો છે, પરંતુ તે પારંપરિક જેલમાં બહુ ઓછો રહે છે, તેને ઘણીવખત લાહોરમાં નજરબંધ કરી દેવાયો છે, જ્યાં
તેને સીમિત સ્વતંત્રતા અપાઈ છે. નોંધનીય છે કે, તાજ હોટેલમાં
આતંકીઓને ઘુસાડયા બાદ સમગ્ર દોરીસંચાર જેના હાથમાં થતો હતો તે હાફીઝ સૈયદને
સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાયો છે. તેમ છતાં તે
પાકિસ્તાનમાં સતત સક્રિય છે.