• સોમવાર, 09 માર્ચ, 2026

ઈરાન યુદ્ધમાં કૂદશે પાકિસ્તાન ?

નવી દિલ્હી, તા. 8 : સાઉદી અરબ સંરક્ષણ પ્રધાન પ્રિન્સ ખાલિદ બિન સલમાને ઇરાન તરફથી થઈ રહેલા હુમલાઓને રોકવા માટે પાકિસ્તાન સાથે સંયુક્ત પગલાં લેવા અંગે ચર્ચા કરી હતી તેમજ પાકિસ્તાનને ઇરાન પર હુમલો કરવા જણાવ્યું હોવાનું સમજાય છે. જેને કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની છે. જો પાકિસ્તાન ઇરાન પર હુમલો કરે તો આ યુદ્ધ દક્ષિણ એશિયા સુધી લંબાશે. અત્યાર સુધી ઇરાને પાકિસ્તાન પર હુમલો કર્યો નથી. સાઉદી અરબે સાતમી માર્ચે રિયાધમાં થયેલી બેઠકમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને બન્ને દેશો વચ્ચે સપ્ટેમ્બર 2025માં થયેલા કરારની યાદ અપાવી હતી.  આ સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ મુજબ બન્ને દેશમાંથી કોઈ પણ એક દેશ પરનો હુમલો બન્ને પરનો હુમલો ગણવામાં આવશે. સાઉદી અરબના તેલ ક્ષેત્રો અને સૈન્ય મથકો પર થઈ રહેલા ઇરાનના ડ્રોન અને મિસાઈલના હુમલાઓને રોકવા માટે બન્ને દેશોએ સંયુક્ત પગલાં લેવા અંગે ભાર મૂક્યો છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડારે નિવેદન આપ્યું હતું કે, જો સાઉદી અરબ પર હુમલો કરવામાં આવશે તો પાકિસ્તાન મૂકપ્રેક્ષક બની નહીં રહે. આમ સાઉદી અરબે પાકિસ્તાનને આ કરારની યાદ અપાવતાં એની હાલત કફોડી થઈ છે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન વાયુસેનાએ ઈરાનમાં સંભવિત લક્ષ્યો પર યુદ્ધ-ગેમિંગ શરૂ કરી દીધું છે. અગાઉ, જાન્યુઆરી 2024માં પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન ક્ષેત્રમાં પણ હુમલા કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી, 2026થી 8 માર્ચ, 2026 દરમિયાન પાકિસ્તાનના લશ્કર અને સુરક્ષા દળોમાં આશરે 380,390 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને અફઘાન તાલિબાનમાં થયેલા હુમલાઓમાં માર્યા ગયેલા લોકોનો સમાવેશ થાય છે. નાગરિકોનો મૃત્યુઆંક 250થી વધુ હોઈ શકે છે.  પાકિસ્તાનનું ઊર્જા સંકટ પણ વધુ ઘેરું થતું દેખાય છે. પાકિસ્તાનનો તેલ ભંડાર લગભગ 20 દિવસ કે તેથી ઓછા સમય સુધી રહેવાનો અંદાજ છે. પેટ્રોલ અને ડીઝલનાં વેચાણને લઈને પેટ્રોલ પંપ પર અથડામણો અને મૃત્યુના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના લશ્કરી મુખ્યાલયે શસ્ત્રો અને દારૂગોળાનાં ઉત્પાદનમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ તક્ષશિલા અને પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીઓને ચોવીસ કલાક કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે.  

Panchang

dd