• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

દિલ્હી કૂચ માટે નીકળેલા કિસાનોનું પોલીસ સાથે ઘર્ષણ

નવી દિલ્હી, તા. 8 : શંભુ બોર્ડરથી દિલ્હી કૂચ કરી રહેલા 101 કિસાનના સમૂહને હરિયાણા પોલીસે રવિવારે રોકી લીધા હતા. પોલીસ અને કિસાનો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. પોલીસે કિસાનો પાસેથી દિલ્હી જવાની પરમિશન માગી હતી અને કહ્યું હતું કે મંજૂરી વિના દિલ્હી જઈ શકશે નહીં. પોલીસે આરોપ મૂક્યો હતો કે કિસાનો હથિયાર લઈને નિકળ્યા હતા. બાદમાં કિસાનોએ ઉગ્ર થઈને બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી. જેના કારણે હરિયાણા પોલીસે ટિયર ગેસના સેલ છોડતા અફડાતફડી મચી હતી. આ દરમિયાન બીકેયુના રેશમ સિંહને ઈજા પહોંચી હતી. કિસાનોએ પિછેહટ કરતા જ શંભુ બોર્ડરે પોલીસ અને અર્ધસૈનિક દળોની મોટાપાયે તૈનાતી કરવામાં આવી હતી. હરિયાણા પોલીસે કહ્યું હતું કે, તેઓ પહેલાં કિસાનોની ઓળખ કરશે અને પછી આગળ જવા દેશે. જે 101 કિસાનનાં નામ અપાયાં હતાં તેમાંથી કોઈપણ દિલ્હી કૂચ કરનારા કિસાનોમાં સામેલ નહોતા. વધુમા કિસાનો પોતાની ઓળખ પણ આપી રહ્યા નહોતા. તેઓ હથિયાર લઈને પહોંચ્યા હતા. જેનાં પરિણામે આગળ જવા દઈ શકાય નહીં. બીજી તરફ કિસાન નેતા સરવનસિંહ પંધેરે કહ્યું હતું કે જે 101 કિસાનની યાદી જારી કરી છે તેઓ જ સમૂહમાં સામેલ હતા. આ મામલે કોંગ્રેસે પણ કૂદતા નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ મહાસચિવ અને સિરસાથી સાંસદ કુમારી સૈલજાએ આરોપ મૂક્યો હતો કે સરકાર કિસાનો સાથે વાતચીત કરવાની બચી રહી છે. કુમારી સૈલજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે કિસાન પોતાની માગને લઈને દિલ્હી કૂચ કરવા માગે છે પણ તેઓને રોકવામાં આવે છે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે કે કિસાનોને શાંતિપુર્ણ પ્રદર્શનનો અધિકાર છે અને સરકારે સંવાદ કરવો જોઈએ. સૈલજાના મતે હરિયાણા, પંજાબ અને શંભુ સહિતની બોર્ડર બંધ કરવામાં આવી છે. જેનાથી લાગી રહ્યું છે કે સરકાર સંવાદના રસ્તા બંધ કરી રહી છે અને જનતાની સમસ્યાના સમાધાનને બદલે તેને નજરઅંદાજ કરવામાં આવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd