નવી દિલ્હી, તા. 7 : પૂજાસ્થળનો કાયદો હિન્દુ, શીખ, બૌદ્ધ અને
જૈન ધર્મની વિરુદ્ધ છે, તેવું આ કાયદા પર સુનાવણી દરમ્યાન શનિવારે હિન્દુપક્ષે જણાવ્યું
હતું. સર્વોચ્ચ અદાલતમાં આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી માટે
ખાસ ખંડપીઠ આજે બનાવાઈ હતી, જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ પી.વી.
સંજયકુમાર તેમજ કે.પી. વિશ્વનાથન સામેલ છે. આ ખંડપીઠ હવે 12મી ડિસેમ્બરની બપોરે સાડા
ત્રણ વાગ્યે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ (પૂજાસ્થળોના કાયદા)ની બંધારણીય યથાર્થતાના મામલા
પર સુનાવણી કરશે. ભાજપ નેતા સુબ્રમણ્યમસ્વામી, કથાકાર દેવકીનંદન ઠાકુર, ભાજપ નેતા અને
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય સહિત સભ્યોએ અરજી કરી છે. આ કાયદો કહે છે કે, પૂજાસ્થળો,
તીર્થસ્થળોનું સ્વરૂપ એવું જ રખાશે, જેવું 15 ઓગસ્ટ, 1947ના હતું, તેવો દાવો હિન્દુ
પક્ષે કર્યો હતો. હિન્દુ પક્ષે કહ્યું હતું કે, ભવિષ્યમાં પૂજાસ્થળો પર કોઈ વિવાદ થાય
તો તેના સંબંધમાં અદાલતમાં કોઈ કેસ કે કાર્યવાહી કરી નહીં શકાય. બીજીતરફ, જમિયત ઉલેમા-એ-હિન્દુ
તરફથી આ અરજીઓની વિરુદ્ધ અરજી કરાઈ છે. જમિયતનો તર્ક એવો છે કે, આ કાયદા વિરોધી અરજીઓ
પર વિચાર કરવાથી દેશભરમાં મસ્જિદો વિરુદ્ધ કેસોનું પૂર આવી જશે.