નવી દિલ્હી, તા. 6 : દેશના
ઉત્તર-પશ્ચિમથી આવતા ઠંડાગાર પવનોના પ્રભાવથી દિલ્હીમાં શુક્રવારે ડિસેમ્બર મહિનામાં
પહેલીવાર તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આઠ ડિગ્રી પર ચાલ્યું ગયું હતું. એ જ રીતે,
કાશ્મીરમાં પારો ઠારબિન્દુ નીચે સરકી ગયો છે. શ્રીનગરમાં માઈનસ 4.1 અને કાઝીગુંડમાં
માઈનસ 4.4 ડિગ્રી સાથે ખીણનું જનજીવન કાતિલ ઠારમાં થરથરીને ઠૂંઠવાયું હતું. દેશના મોસમ
વિજ્ઞાન વિભાગે એવો વર્તારો આપ્યો હતો કે, રાજધાની દિલ્હીમાં હજુ 10મી ડિસેમ્બર સુધી
પારો સરકીને છ ડિગ્રીએ જઈ શકે છે. બીજી તરફ, શિતળ પવનની અસર રાજસ્થાન, મધ્યપ્રદેશના
વિસ્તારોમાં પણ જોવા મળી હતી. આવતીકાલે શનિવારે
પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે પહાડો પર મોસમ બદલી શકે છે. દેશનાં હવામાન તંત્ર તરફથી
એવી આગાહી પણ આજે કરાઈ હતી કે, મેદાની રાજ્યોમાં
પારો 10 ડિગ્રીથી નીચે સરકી શકે છે. જમ્મુ ક્ષેત્રના કેટલાક મેદાની અને પહાડી વિસ્તારોમાં
આઠમી ડિસેમ્બરથી બે દિવસ સુધી હલકો વરસાદ કે બરફવર્ષા થઈ શકે છે. દરમ્યાન, દિલ્હીમાં
હવાની ગુણવત્તામાં થોડોક સુધારો આવતાં ક્યાંક શાળાઓ ફરી ખૂલવા લાગી હતી.