મુંબઇ, તા. 6 : મોંઘવારીની
માર ખમીને જીવી રહેલા દેશના સામાન્ય માણસની કમ સે કમ લોન થોડીક સસ્તી થવાની આશા આજે
પણ ફળી નહોતી. ઊલ્ટું મોંઘવારી વધવાની ભીતિવાળી આશંકા દેશની કેન્દ્રીય બેન્કે વ્યક્ત
કરી છે. ભારતીય રિઝર્વ બેન્ક (આર.બી.આઇ.)ની આર્થિક નીતિ સમિતિની બેઠકમાં શુક્રવારે
લગાતાર 11મી વાર વ્યાજદર કોઇ જાતની વધઘટ વિના 6.5 ટકા પર સ્થિર રખાતાં લોન મોંઘી નહીં
થાય, પરંતુ સસ્તી પણ નહીં થાય. આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે આજે આર્થિક નીતિની સમીક્ષા
બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. રિઝર્વ બેન્કે મોંઘવારી વધવાની આશંકા
વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આમ થતાં આર્થિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે.
એ માટે કેન્દ્રીય બેન્કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી દરનું અનુમાન 7.2 ટકાથી ઘટાડીને
6.6. ટકા કરી નાખ્યું હતું. એ સિવાય રિઝર્વ બેન્કે કિસાનોને કોલેટરલ ફ્રી એગ્રીકલ્ચર
લોન એટલે કે કોઇ પણ સામાન્ય, સંપત્તિ ગિરવે મૂક્યા વિના લોનની મર્યાદા 1.6 લાખમાંથી
વધારીને બે લાખ રૂપિયા કરવાનો ફેંસલો કર્યો હતો. યુપીઆઇ પર ક્રેડિટ લાઇન એટલે કે, ખાતામાં
પૈસા હોવા છતાં ચૂકવણાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની
છૂટ હવે સ્મોલ ફાઇનાન્સ બેન્કોને પણ અપાઇ છે. તાજા ફેંસલાથી વધુ લોકો નાણાકીય લેવડ-દેવડની
સુવિધાનો ઉપયોગ કરી શકશે તેવું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. આરબીઆઇની આર્થિક નીતિ
સમિતિએ અનિવાર્ય રોકડનો રેશિયો (સીઆરઆર) 4.50 ટકાથી ઘટાડીને ચાર ટકા કરી દીધો છે, જેનાં
પગલે બેન્કો પાસે રોકડ વધશે, જેનો ઉપયોગ વધુ લોન આપવા કરી શકાશે. વર્તમાન ભૂરાજકીય
સ્થિતિથી સર્જાયેલા પડકાર દરેક દેશો સામે મોટો મુદ્દો બન્યો છે. એ સિવાય મોંઘવારીના
તાજા આંકડા અને જીડીપી દર બીજા ત્રિમાસિક ગાળામાં ઓછો રહેવો ચિંતાજનક છે તેવું દાસે
કહ્યું હતું.