મુંબઇ, તા. 5 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામના
13 દિવસ બાદ આખરે ગુરુવારે નવી સરકાર બની ગઇ હતી. છેલ્લાં 10 વર્ષમાં ત્રીજીવાર મુખ્યમંત્રી
પદના શપથ લેનાર દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા નેતા બન્યા?છે. ફડણવીસ શપથ લીધા બાદ
તરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જઇને અભિવાદન કર્યું હતું. મુંબઇનાં આઝાદ મેદાન પર
સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થઈને અડધો કલાક ચાલેલા સમારોહમાં દેવેન્દ્ર બાદ પૂર્વ મુખ્યમંત્રી
એકનાથ શિંદે તેમજ એનસીપી નેતા અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. નદીઓ
જોડવાના પ્રકલ્પને પ્રાધાન્ય આપવાનું અને વર્ષ 2026 સુધીમાં 16000 મેગાવોટ સૌર ઊર્જાના
પ્રકલ્પ પૂર્ણ કરવાના લક્ષ્ય માટે તેમ જ બધાં ક્ષેત્રમાં મહારાષ્ટ્ર અગ્રેસર રહે એ
માટે કાર્ય કરશું, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. મુખ્યપ્રધાન તરીકે
શપથ લીધા પછી પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતાં ફડણવીસે જણાવ્યું હતું કે, આવતી 11મી
ડિસેમ્બરે નાગપુરમાં વિધાનગૃહોનું અધિવેશન શરૂ થાય તે પહેલાં પ્રધાનમંડળનું વિસ્તરણ
કરવામાં આવશે. અમે મહારાષ્ટ્રને પારદર્શક અને ગતિશીલ વહીવટ પૂરું પાડશું. અમે બદલાનું
નહીં, પરંતુ પરિવર્તનનું રાજકારણ અમલમાં લાવશું. મહારાષ્ટ્રમાં રાજકીય સંસ્કૃતિમાં
થોડા બદલાવની જરૂર છે, તે માટે અમે કામ કરશું. મેં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, પૃથ્વીરાજ
ચવ્હાણ અને રાજ ઠાકરે બધાને ફોન કરીને શપથવિધિના કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું
હતું, પરંતુ તેમાંના કેટલાક વ્યક્તિગત કારણોસર આવી શક્યા નથી. અમારો રાજકીય સંવાદ કે
વાતચીત યથાવત્ છે. મહારાષ્ટ્રમાં એકમેકના `ખૂનના પ્યાસા' હોય એવી રાજકીય દુશ્મનાવટ નથી. ગુજરાતમાં ઉદ્યોગ
જતા હોવાના પ્રશ્નના ઉત્તરમાં ફડણવીસે જણાવ્યું હતું કે, ગત વર્ષમાં જેટલું સીધું વિદેશી
મૂડીરોકાણ આવ્યું તેમાંથી 90 ટકા રોકાણ ફકત ગત છ માસમાં આવ્યું છે. કેટલાક ઉદ્યોગો
દ્વારા મૂડીરોકાણના પ્રસ્તાવોની વાતચીત અંતિમ તબક્કામાં છે. ચૂંટણીનાં પરિણામો જાહેર
થયાં બાદ શપથવિધિમાં થયેલા વિલંબ અંગેના પ્રશ્નના ઉત્તરમાં ફડણવીસે જણાવ્યું હતું કે,
વર્ષ 2004માં 12થી 13 દિવસનો અને વર્ષ 2009માં નવ દિવસનો વિલંબ થયો હતો. મિશ્ર સરકાર
રચવાની હોય ત્યારે સાથી પક્ષો સાથે પ્રધાનમંડળનું કદ, પ્રધાનોની સંખ્યા અને ખાતાંની
ફાળવણી વિશે ચર્ચા કરવાની હોય છે. તેમાં વિલંબ થાય છે. `લાડકી બહીણ' સ્કીમ વિશે ફડણવીસે જણાવ્યું
હતું કે, અમે ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યાં છે તેને પરિપૂર્ણ કરશું. અમે `લાડકી બહીણો'નું ભથ્થું વધારીને રૂા.
2100 કરશું, પરંતુ તેના માટે બજેટમાં જોગવાઈ કરશું. આ સ્કીમમાં કેટલાક અપાત્ર લોકોને
ભથ્થું મળ્યાની ફરિયાદ છે તેથી તે અરજીઓની ચકાસણી (ક્રૂટીની) કરવામાં આવશે.