નવી દિલ્હી, તા.4 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી
સહિત આગેવાનોને બુધવારે યુપીના હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે જતાં રોકવામાં આવતાં ભારે
રકઝક બાદ તેઓ ગાઝીપુર બોર્ડરેથી દિલ્હી પરત ફર્યા હતા. કોંગ્રેસી આગેવાનોને પોલીસે
સંભલ જવાની મંજૂરી આપી ન હતી. સંભલમાં બહારના લોકોના પ્રવેશ પર તંત્રે10 ડિસેમ્બર સુધી
રોક લગાવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના કાફલાને પોલીસે ગાઝીપુર બોર્ડરે
અટકાવ્યો હતો. સાંસદ પ્રિયંકા ગાંધી તથા યુપીથી કોંગ્રેસના અન્ય પાંચ સાંસદ પણ સાથે
હતા. જેઓને સંભલ જવાની મંજૂરી ન અપાતાં પરત ફર્યા હતા. સંભલ જતાં રસ્તે પોલીસે ભારે
બંદોબસ્ત સાથે બેરિકેડ્સ લગાવ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ કોંગ્રેસી
નેતાઓના કાફલાને ગાઝિપુર બોર્ડરે જ રોકી દેવામાં આવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા
આપી કે સંભલમાં જે કંઈ થયું તે અયોગ્ય છે. રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને તેમની
પાસે બંધારણીય અધિકાર છે. તેમને આવી રીતે રોકી ન શકાય. તેમને પીડિતોને મળવાનો અધિકાર
છે.