• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

દેવેન્દ્ર ફડણવીસનો આજે શપથવિધિ

મુંબઈ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુરુવારે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશભરના એનડીએના નેતાઓ તેમ જ 400 જેટલા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન પદે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીતના પરિણામો આવ્યાં બાદ 11 દિવસ પછી મુખ્યપ્રધાન કોણ બનશે એ સસ્પેન્સનો આજે સુખદ અંત આવ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન પદે શિવસેનાના એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદીના અજિત પવાર પણ આવતીકાલે શપથ લેશે. આજે સવારે કેન્દ્રીય નિરીક્ષકો નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપ વિધાયક દળની બેઠકમાં ફડણવીસને  સર્વાનુમતે નેતા જાહેર કરાયા બાદ મહાયુતિના ત્રણેય નેતા વર્તમાન નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના નેતા અને કાર્યકારી મુખ્યપ્રધાન એકનાથ શિંદે તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર એક જ કારમાં જઈને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યા બાદ મહાયુતિની નવી સરકારના શપથ સમારોહની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરાઇ હતી. આઝાદ મેદાનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બે નાયબ મુખ્યપ્રધાનો અજિત પવાર અને મોટા ભાગે એકનાથ શિંદે શપથ લેશે, બાદમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિગતે વાતચીત બાદ થોડા દિવસોમાં પ્રધાનમંડળનો શપથ સમારોહ યોજાશે એવી ધારણા છે. મળતા સમાચાર પ્રમાણે શિંદે ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બનશે એની જાહેરાત માત્ર ઔપચારિકતા જ છે, કેમ કે ફડણવીસ, અજિત પવાર અને શિંદે વચ્ચે આજે બપોર બાદ થયેલી મુલાકાતમાં આ નક્કી થઇ ગયાનું જાણવા મળ્યું હતું. શિંદેએ શિવસેના વિધાયક દળની બેઠક પણ બોલાવી હતી અને ફડણવીસે પત્રકારોને કહ્યું હતું કે, મહાયુતિમાં અમારી વચ્ચે પદ તો એક માત્ર ઔપચારિકતા છે, મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે મળીને સરકાર ચલાવવી એ જ ધ્યેય છે. શિંદેએ પણ કહ્યું હતું કે અઢી વર્ષ ફડણવીસે મહાયુતિની સરકારમાં મારા વડપણ હેઠળ રાજ્ય માટે કામ કર્યું છે એમ હવે મારો વારો છે, હોદો ગૌણ છે, રાજ્યને દેશમાં નંબર વન બનાવવા અમે સાથે મળીને સરકારમાં કામ કરીશું. અગાઉ સવારે કેન્દ્રીય નિરીક્ષકો સીતારામન અને વિજય રૂપાણીની હાજરીમાં વિધાનસભા ગૃહમાં ભાજપના વિધાયક દળની બેઠક મળી હતી, જેમાં સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટિલે ફડણવીસને નેતા બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો અને આશિષ શેલાર અને રવીન્દ્ર ચવ્હાણે આ પ્રસ્તાવને અનુમોદન આપ્યા બાદ ચૂંટાયેલા તમામ વિધાનસભ્યોએ તાળીઓના ગડગડાટથી દેવા ભાઉને વધાવી લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસ નિર્વિરોધ ભાજપ વિધાયક દળના નેતા બન્યા બાદ મુખ્યપ્રધાન પદે એમની વરણી પર મહોર લાગી હતી. - રૂપાણીની ટકોર અને ધારાસભ્યો હસી પડયા : મુખ્યમંત્રીની પસંદગી માટે મુંબઈમાં ભાજપ વિધાયક દળની બેઠકમાં નિરીક્ષક તરીકે હાજર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ધારાસભ્યોને પ્રસ્તાવ માટે અપીલ કરતાં સંબોધનમાં હળવા અંદાજમાં ટકોર કરી હતી કે `મુખ્યમંત્રી પદ માટે પોતાનાં જ નામનો પ્રસ્તાવ ન રાખતા, તમારે તમારા સાથી અન્ય કોઈ ધારાસભ્યનું નામ રજૂ કરવાનું છે.' તેમની આવી વાત સાંભળી ઉપસ્થિત ધારાસભ્યો હસી પડયા હતા. બેઠકમાં સર્વસંમતિથી ફડણવીસનાં નામ પર મહોર લાગી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd