નવી દિલ્હી, તા. 17 : ઈરાન યુદ્ધનાં
આજે 18માં દિવસે ઇઝરાયલી સુરક્ષા દળ (આઈડીએફ)એ
મોટો દાવો કર્યો છે. તેનાં કહેવા મુજબ ગઈ રાત્રે ઈરાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રમુખ એટલે કે દેશના સર્વોચ્ચ સુરક્ષા
અધિકારી અલી લારીજાનીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, હજી સુધી સ્પષ્ટ થયું નથી કે આ હુમલામાં લારીજાનીનું
મોત થયું છે કે પછી ઘાયલ થયા છે. ઉપરાંત, ઇઝરાયલી સેનાએ એવો પણ
દાવો કર્યો છે કે, તેણે રાત્રિના હુમલામાં ઈરાની સેનાની બાસિજ
ફોર્સના ટોચના કમાન્ડર ઘોલામરેઝા સુલેમાનીનો પણ ખાત્મો કરી નાખ્યો છે. ઇઝરાયલના દાવા બાદ ઇરાને અલી લારીજાનીનાં સોશિયલ
મીડિયા એકાઉન્ટ પર હાથથી લખેલો એક મેસેજ પોસ્ટ કર્યો છે, જે તેઓ
જીવિત હોવાના સંદેશા સમાન પણ મનાય છે. ઇઝરાયલના રક્ષાપ્રધાન ઇઝરાઇલ કાર્ટ્ઝે તો આથી
પણ આગળ જઈને દાવો કર્યો છે કે, આઈડીએફના હુમલામાં લારીજાનીનું
મોત થયું છે. ઇઝરાયલના આ દાવાથી ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, ઈરાન તરફથી હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આઈડીએફનું
કહેવું છે કે, સુલેમાનીની કથિત હત્યા ઈરાનના કમાન્ડ અને કંટ્રોલ
માટે મોટો આંચકો છે. તાજેતરમાં અલી ખોમેની અને ઈરાનના અન્ય મોટા નેતાઓનાં મોત પછી અલી
લારીજાનીને સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવી રહ્યા હતા અને આ યુદ્ધમાં ઈરાનનું
નેતૃત્વ કરી રહ્યા હતા. લારીજાનીને છેલ્લે 13 માર્ચે કુદ્સ ડે દરમિયાન જોવામાં આવ્યા હતા. લારીજાની પહેલા પરમાણુ વાટાઘાટકાર પણ રહી ચૂક્યા
છે અને અને હાલમાં ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ તરીકે કાર્યરત છે. તેઓ ઈરાનની
સત્તા સંરચનામાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક ગણાય છે. જો તેમનાં મોતની પુષ્ટિ
થાય, તો તેઓ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમેની
પછી મરાયેલા ઈરાનના સૌથી વરિષ્ઠ અધિકારી હશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલા 10 લોકો વિશે માહિતી આપનારાને
એક કરોડ ડોલર સુધીનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં લારીજાની સહિતના વરિષ્ઠ સૈન્ય અને ગુપ્તચર
અધિકારીઓનો સમાવેશ થાય છે. આઈડીએફના જણાવ્યા મુજબ સોમવારની રાત્રે તેહરાન, શિરાઝ અને તબરીઝમાં ઈરાનના અનેક મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
પર હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલી સેનાના દાવા અનુસાર તેહરાનમાં કમાન્ડ સેન્ટર,
લોન્ચ સાઇટ અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા, જ્યારે શિરાઝમાં આંતરિક સુરક્ષા દળોના કમાન્ડ સેન્ટર અને એક બેલિસ્ટિક મિસાઇલ
સાઇટ પર હુમલો થયો તેમજ તબરીઝમાં થયેલા હુમલાઓએ ઈરાનની વધારાની એર ડિફેન્સ સિસ્ટમને
નષ્ટ કરી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.