મુંબઈ, તા. 12 : આજે શરૂઆતમાં બજાર મજબૂત ખુલ્યા બાદ ધીમે ધીમે
નકારાત્મક બનીને છેલ્લે એક ટકાથી વધુ તૂટયું હતું. સેન્સેક્સ 820.97 અંક (1.03 ટકા)
ઘટીને 78,675.18 અંક અને નિફ્ટી 257.85 (1.07 ટકા) અંક ઘટીને 23,883.45 અંક ઉપર બંધ
રહ્યા હતા. બેન્ક નિફ્ટી 718.95 આંક (1.39 ટકા) ઘટી 51,157.80 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો
હતો. બીએસઇ મિડકેપ 446.79 અને સ્મોલકેપ 681.93 અંક ગગડી ગયા હતા. રોકાણકારોની 5.30
લાખ કરોડની મૂડી ધોવાઇ હતી. સેન્સેકસ 79644.95 ખૂલીને કારોબાર દરમ્યાન 79820.98ની ટોચે
પહોંચી નીચામાં 78547.84 સુધી ગગડી પડયા બાદ કારોબારને અંતે 78675.18 બંધ આવ્યો હતો.
એફઆઈઆઈની સાર્વત્રિક વેચવાલી આજે પણ ચાલુ હતી. આજે સત્ર પૂરું થાય ત્યારબાદ ઓક્ટોબરના
ફુગાવાના આંકડાઓ જાહેર થવાના હતા તે પહેલાં પણ બજારમાં દહેશતનું વાતાવરણ હતું. આ ઉપરાંત
બીજા ત્રિમાસિકની અપેક્ષા કરતાં નબળી કમાણી, વૈશ્વિક બજારોનું નરમ વલણ અને હેવીવેઈટ
શેરોમાં નીકળેલી વેચવાલીના કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. સેન્સેક્સમાં
એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી બેન્ક, એસબીઆઈ, તાતા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ,
મારુતિ અને પાવરગ્રીડના ભાવ સૌથી વધુ ઘટયા હતા. બીજી તરફ સન ફાર્મા, ઈન્ફોસીસ અને આઈસીઆઈસીઆઈ
બેન્કના ભાવ સૌથી વધુ વધ્યા હતા. નિફ્ટીમાં બ્રિટાનિયા, એચડીએફસી બેન્ક, એનટીપીસી,
એશિયન પેઈન્ટ્સ અને ભારત ઈલેક્ટ્રોનિક્સના ભાવ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે ટ્રેન્ટ,
એચસીએલ ટેક., સન ફાર્મા, ઈન્ફોસીસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ભાવ સૌથી અધિક વધ્યા
હતા. એક્સ્ચેન્જના એક અહેવાલ મુજબ સોમવારે એફઆઈઆઈએ રૂા. 2306.88 કરોડના શેર વેચ્યા
હતા તેની સામે ડીઆઈઆઈએ રૂા. 2026.63 કરોડના શેરની ખરીદી કરી હતી. એશિયન બજારોમાં સિઓલ,
ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ ઘટયાં હતાં જ્યારે યુરોપિયન બજારો પણ ઘટવા તરફી હતાં.
વિશ્વ બજારમાં સોનું સાત ટકા અર્થાત 200 ડોલર ઘટીને 2855 ડોલર સુધી નીચે આવી ગયું છે.
સોનામાં હજુ 30 ઓક્ટોબરના દિવસે 2790 ડોલરની ઊંચી સપાટી બની હતી. વિદેશી અસરથી ભારતમાં
છેલ્લાં બાર દિવસમાં સોનાનો ભાવ રૂ.3800ના કડાકા સાથે રૂા. 77650 થઇ ગયો છે. ધનતેરસે
રૂ. 81450નો સર્વકાલીન ટોચનો ભાવ થયો હતો.ચાંદી પણ તૂટી પડી છે. સોના કરતા મોટો 13
ટકાનો કડાકો સર્જાયો છે. વિદેશી બજારમાં 34.89 ડોલર સુધી 22 ઓક્ટોબરે ચાંદી પહોંચી
હતી. - બિટકોઇનમાં ધારદાર તેજી : ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં
ધારદાર તેજી આવી ચૂકી છે. બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીને ટ્રમ્પ શાસનમાં વેગ મળશે
એવી અટકળો પર ભારે ઉછાળો છે. પાંચ દિવસમાં બિટકોઇન 12 ટકા વધી ગયો છે. અમેરિકી ડોલરમાં
85,563ની કિંમત થઇ ગઇ છે.89,465 ડોલરની સપાટી જોઇ આવ્યો છે. ચૂંટણી પૂર્વે 75,753 હતો.
- યુદ્ધ
ખતમ કરવાની ટ્રમ્પની અપીલથી સોનામાં રૂા. 1710નો કડાકો : ભુજ, તા.
12 : અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીના ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર ઈન્ડેક્સમાં સતત
મજબૂતાઈ તેમજ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા ટ્રમ્પ દ્વારા કરાયેલી
અપીલને પગલે સોના-ચાંદીની ચમક ઝંખવાઈ હતી અને સ્થાનિક બજારમાં સોનામાં 1710નો જ્યારે
ચાંદીમાં 1800નો કડાકો બોલી ગયો હતો. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીના ડોનાલ્ડ ટ્રમ્પની
જીત બાદ ડોલર ઈન્ડેક્સમાં સતત મજબૂત થઈ રહ્યો છે તે વચ્ચે ટ્રમ્પે યુદ્ધ અટકાવવા પુતિનને
કરેલી શાંતિની અપીલના પગલે હેજફંડોએ નફારૂપી વેચવાલી કરતાં બુલિયન બજારમાં કિંમતી ધાતુમાં
મોટો કડાકો જોવા મળ્યો હતો. સ્થાનિક બુલિયન
બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 1710નો ગાબડું પડી 77,750 રહ્યા હતા, તો
ચાંદીમાંયે રૂા. 1800નો કડાકે થઈ 89,800ના ભાવ રહ્યા હતા.