• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કેજરીવાલનું આજે રાજીનામું : અનુગામી કોણ ?

આનંદ કે.વ્યાસ તરફથીનવી દિલ્હી, તા.16 : અરવિંદ કેજરીવાલે રવિવારે આમઆદમી પક્ષના કાર્યકર્તાઓ સામે જાહેરાત કરી હતી કે તેઓ 24 કલાકમાં દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપી દેશે અને તેમની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ઉપર જન અદાલતના ચુકાદા બાદ જ ઓફિસે પાછા ફરશે, ત્યારે મોટો સવાલ એ થાય કે હવે આમ આદમી પક્ષમાં કોને ટોચની જવાબદારી સોંપાશે ? કોર્ટે કેજરીવાલને શરતી જામીન આપતા જણાવ્યું હતું કે તેઓ મુખ્યપ્રધાન તરીકે કામ કરી શકશે નહીં અને મુખ્યપ્રધાન કાર્યાલયે પણ જઇ શકશે નહિં એવામાં કેજરીવાલ પાસે મુખ્યપ્રધાન પદ છોડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. તેઓ હવે પોતાના વિશ્વાસુને આ પદ ઉપર બિરાજમાન કરવા માગે છે અને આ બાબતે તેમણે મનીષ સિસોદિયા સાથે લાંબી ચર્ચા પણ કરી હતી. આવતીકાલે કેજરીવાલ દિલ્હીના એલજીને પોતાનું રાજીનામુ સોંપે એવી શકયતા છે. આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમ છતાં કેજરીવાલે ગઇકાલે મહારાષ્ટ્રની ચૂંટણી સાથે નવેમ્બરમાં જ દિલ્હીમાં ચૂંટણી યોજવાની માગ કરી હતી. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે તેઓ લોકો વચ્ચે જશે અને ફરીથી ચૂંટણીમાં જીત્યા બાદ ટોચના કાર્યાલયમાં પાછા ફરશે. આનો અર્થ એ નથી કે આપના ટોચના નેતાઓ મુખ્યપ્રધાન પદની રેસમાં નથી. આ મુખ્યપ્રધાન પદનો કાર્યકાળ થોડા મહિનાઓ માટેનો હશે એમ છતાં આપ નેતૃત્વ એવા અગ્રણી નેતાની પસંદગી ઉપર પક્ષ મોવડીઓએ ભાર મૂકયો છે. જે મુખ્ય મુદ્દાઓ પર પક્ષની સ્થિતી સ્પષ્ટ કરી શકે અને પક્ષમાં વ્યાપક સ્વીકાર્યતા ધરાવે. જો કે મુખ્યપ્રધાન પદે કોણ રહેશે એનો નિર્ણય આપની સંસદીય સમિતિની બેઠકમાં જ લેવાશે. અનેક નામોમાં અતીશીનું નામ રેસમાં સૌથી આગળ છે કારણ કે તેમણે શિક્ષણ, જાહેર બાંધકામ જેવા વિભાગોમાં કામ કરીને પોતાની જવાબદારીઓને ન્યાય આપ્યો છે અને મુખ્ય નામોમાંના એક છે. જ્યારે કેજરીવાલ અને સિસોદિયા બંને જેલના સળિયા પાછળ કેદ હતા ત્યારે આતિશીએ પાર્ટીની કમાન સંભાળી હતી અને દિલ્હી સરકારવતી સ્વતંત્રતા દિનની ઉજવણી દરમિયાન ધ્વજારોહણ પણ કર્યુ હતુ. જો કે લેફટનન્ટ ગવર્નર વી કે સકસેનાએ કૈલાશ ગહેલોતના નામનું સૂચન કર્યુ છે. આપ નેતૃત્વ આતિશીમાં ઘણો વિશ્વાસ રાખે છે. કાલકાજીમાંના વિધાનસભ્ય એવા આતિશીએ અનેક ગંભીર મુદ્દાઓ ઉપર અવાજ ઉઠાવ્યો હતો જેમ કે દિલ્હીમાં પાણીની સમસ્યાને વાચા આપી હતી. મુખ્યપ્રધાનની રેસમાં અન્ય નામો તરીકે દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ છે. રાઘવે ભૂતકાળમાં પક્ષના સીએ (આર્ટર્ડ અકાઉન્ટન્ટ)ની કામગીરી બજાવી હતી. રાજેન્દ્ર નગરમાંથી સાંસદ બનેલા રાઘવે પંજાબમાં વર્ષ 2022માં ચૂંટણી દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. આપ પક્ષના વરિષ્ઠ નેતા 50 વર્ષના કૈલાશ ગહલોત દિલ્હી સરકારમાં આર્થિક, પરિવહન અને ગૃહ વિભાગની કામગીરી જૂએ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang