• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

બ્રિટનના પ્રવાસમાં સતર્ક રહેવા ભારતીયોને સલાહ

નવી દિલ્હી, તા.6 : બ્રિટનના ઘણાં વિસ્તારોમાં છેલ્લાં થોડા દિવસોથી હિંસક તોફાન જોવા મળી રહ્યાં છે અને આને ધ્યાને રાખીને લંડન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા બ્રિટનની યાત્રામાં ભારતીયોને સાવધાનીથી વર્તવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. લંડનમાં ભારતીય હાઇકમિશને એક  એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પ્રવાસીઓએ યુનાઇટેડ કિંગડમના જે વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે, તેનાથી વાકેફ રહેવું અને સાવચેતી વર્તવી જોઈએ. લંડનમાં ભારતીય હાઇ કમિશન સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતથી આવતા પ્રવાસીઓને યુકેમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલા સ્થાનિક સમાચાર અને સલાહને અનુસરવા પણ અપીલ કરી છે અને જ્યાં વિરોધ ચાલુ હોય તેવા વિસ્તારોની મુલાકાત ટાળવા સલાહ આપી છે.  હાલમાં જ લિવર પુલ, હલ, બ્રિસ્ટલ, લીડ્સ, બ્લેકપુલ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બેલફાસ્ટ, નાટિંઘમ અને માન્ચેસ્ટરમાં પથ્થરમારા સહિતનાં હિંસક બનાવો બની રહ્યાં છે. દેશમાં શરણ લેનારા પર હુમલાઓ વધી રહ્યા છે. દુકાનો પર હુમલો કરી આગચંપીની ઘટનાઓ પણ બની હતી. પોલીસ અને ભીડ વચ્ચે પણ અથડામણ થઈ હતી. બ્રિટનના ગૃહ મંત્રી યવેટ કૂપરે આ હિંસક તત્ત્વોને ચેતવણી આપી છે કે, તેઓ આ ગુનાહિત અવ્યવસ્થા અને હિંસાની કિંમત ચૂકવવા તૈયાર રહે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang