ભુજ, તા. 11 : કચ્છની તમામ અદાલતમાં
યોજાયેલી રાષ્ટ્રીય લોકઅદાલતમાં 31 કરોડ જેટલી વસૂલાત
કરાઈ હતી, તો 16 હજારથી વધુ કેસનો નિકાલ કરાયો હતો. આ રાષ્ટ્રીય લોકઅદાલતમાં
સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ 11,452 પ્રિ-લિટીગેશન, સમાધાન લાયક 1138 અને સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સીટિંગમાં 3625 કેસ મળી 16,215 કેસનો નિકાલ કરાયો હતો અને કુલ 31 કરોડના
એવોર્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની
સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય
સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયધીશ દિલીપ મહિડાની રાહબરી હેઠળ કચ્છના
તમામ તાલુકામાં તથા ફેમિલી કોર્ટમાં રાષ્ટ્રીય લોકઅદાલત સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.
આ લોકઅદાલતને સફળ બનાવવામાં જિલ્લાના તમામ ન્યાયાધીશ દ્વારા લગ્ન વિષયક, ચેક બાઉન્સ, સિવિલ દાવાઓ, વાહન
અકસ્માત વળતર તથા અન્ય સમાધાનલાયક કેસોમાં અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી કેસોના
નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. આ તબક્કે લોકઅદાલતની સફળતા માટે જિલ્લા કાનૂની
સેવા સત્તા મંડળના સચિવ અને સિનીયર સિવિલ જજ બી. એમ. પ્રજાપતિએ ન્યાયાલયના કર્મચારીઓ,
તમામ સ્ટેક હોલ્ડર્સનો તથા વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો.