• રવિવાર, 12 જુલાઈ, 2026

ભારતીય નૌસેનાને મળી નવી તાકાત

વિશાખાપટ્ટનમ, તા.11 :  સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં આઈએનએસ મહેન્દ્રગિરિને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું. મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17-એની નીલગિરિ શ્રેણીનું છઠ્ઠું યુદ્ધજહાજ છે. તેને બનાવવામાં 75 ટકાથી વધુ સ્વદેશી ઉપકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખાસ પ્રસંગે સંરક્ષણમંત્રીને ડૉકયાર્ડમાં 'ગાર્ડ અૉફ ઓનર' પણ આપવામાં આવ્યું હતું. આ યુદ્ધપોતનું કમિશાનિંગ એવા સમયે થયું છે જ્યારે વૈશ્વિક સ્તરે દરિયાઈ સુરક્ષાની ચિંતાઓ વધી ગઈ છે. સમુદ્રના મોજાંને ચીરતા આ અત્યાધુનિક યુદ્ધપોત પર જ્યારે તિરંગો લહેરાવવામાં આવ્યો, ત્યારે તે માત્ર નૌસેનાની લડાયક ક્ષમતા જ નહીં, પરંતુ 'આત્મનિર્ભર ભારત'ની વધતી જતી શક્તિનું પણ પ્રતીક બન્યું છે. છેલ્લા એક વર્ષમાં નૌસેનામાં સામેલ થયેલા વોરશિપની સંખ્યા 18ને પાર થઈ ગઈ છે, અને વર્ષ 2026ના અંત સુધીમાં આટલા જ વધુ જહાજોને બેડામાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.  આ મહાશક્તિશાળી યુદ્ધજહાજનું નામ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની સરહદ પર આવેલા પૂર્વીય ઘાટની 'મહેન્દ્રગિરિ પર્વત શ્રૃંખલા' પરથી રાખવામાં આવ્યું છે, જે અખંડ તાકાત અને ભારતીય વારસાને દર્શાવે છે. મહેન્દ્રગિરિ એક 'નીલગિરિ-ક્લાસ' સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તેને ભારતીય નૌસેનાના વોરશિપ ડિઝાઇન બ્યુરોએ ડિઝાઇન કર્યું છે, જ્યારે તેનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આઈએનએસ મહેન્દ્રગિરિને ભવિષ્યના આધુનિક નૌસેનિક યુદ્ધ અને લાંબાં અૃતરના મિશનોને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ એકસાથે અનેક મોરચે દુશ્મનોનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. તે હવાઈ હુમલા રોકવા, દરિયાઈ સપાટી પર હુમલો કરવા અને સબમરીન વિરોધી ઓપરેશન્સને અત્યંત સચોટતાથી અંજામ આપી શકે છે. તેની ખાસ સ્ટીલ્થ ડિઝાઇન દુશ્મનના રડારને આસાનીથી ચકમો આપી શકે છે, જેનાથી યુદ્ધના સમયે ભારતને વ્યૂહાત્મક ફાયદો મળશે. આ જહાજ અત્યાધુનિક સરફેસ-ટુ-સરફેસ અને સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ, એડવાન્સ રડાર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટથી સજ્જ છે. યુદ્ધ સિવાય તે લાંબી દૂરીની દેખરેખ અને આપત્તિના સમયે માનવીય સહાયતા પહોંચાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે ચીન સહિતની તમામ વિરોધી શક્તિઓ માટે એક કડક સંદેશ છે.

Panchang

dd