ભુજ, તા. 11 : શહેરના ભીડ નાકા બહાર
આવેલા ઐતિહાસિક દેશલસર તળાવમાં ભરાયેલાં ગટરનાં પાણીના કારણે ઊગી નીકળેલી જળકુંભી પર
તો હાલ પક્ષીઓનો પડાવ જોવા મળી રહ્યો છે. ભુજના ભીડ નાકા પાસે આવેલા ઐતિહાસિક દેશલસર
તળાવમાં અંદાજિત એકાદ દાયકાથી ગટરનાં ભરાતાં પાણીનાં કારણે બિનઉપયોગી જળકુંભી નામની
વેલો ઊગી નીકળી છે, જેના
કારણે અત્યારે તળાવનું અસ્તિત્વ નામ પૂરતું રહ્યું છે. લોકો તળાવમાં કચરો નાખે છે અને
શૌચક્રિયા કરી રહ્યા છે. સન 2019માં
ગાંધી જયંતીના દિનથી દિલ્હીની સંસ્થા એન્વાયર્નમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઓફ ઇન્ડિયા
(ઇએફઆઇ) બ્યૂટિફિકેશન તરફથી તળાવમાંથી જળકુંભી નિકાલનું કામ કર્યા પછી ફરી તળાવમાં
નગરના દૂષિત ગટરનાં પાણી ભરાતાં જળકુંભી પણ ઊગી નીકળી છે, જેને સાત વર્ષ થયાં છતાં નગરપાલિકાના
કોઇ પણ સત્તાધીશો કે પદાધિકારીઓએ તળાવના સુશોભીકરણ તરફ નજર નથી કરી. હા, દર વખતે હમીરસર તળાવની સાથે આ તળાવ વરસાદી પાણીથી ભરાયાં પછી વધાવવાનું પદાધિકારીઓ
ભૂલતા નથી ! અત્યારે આ ગટરવાળાં પાણી અને જળકુંભીની વચ્ચે મોટા પ્રમાણમાં બગલા સહિત
પક્ષીઓ તળાવમાં વિચરણ કરતાં જોવા મળે છે. વળી જ્યાં ગટરનાં પાણી સૂકાયેલાં છે ત્યાં
રખડતા ઢોરો આંટા મારતા જોવા મળે છે. દિલ્હીની સંસ્થા દ્વારા પુલિયા પાસે નખાયેલા ગેટને
લોકો તોડીને સાઇડમાં ફેંકી દીધેલ છે. ચોમાસાની સિઝન છે. વરસાદનાં પાણી સાથે ફરી ગટરનાં
પાણી તળાવમાં આવવાનાં છે, તો આ તળાવની અનદેખી કેટલા વર્ષો સુધી
રહેવાની છે તેવો પ્રશ્ન જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. કચ્છમાં અનેક ઉદ્યોગો કાર્યરત
છે ત્યારે તેમની મદદથી દેશલસર તળાવને શોભાયમાન બનાવવાનો આનાથી વધુ બીજો કયો સારો સમય
આવવાનો છે ?