• રવિવાર, 12 જુલાઈ, 2026

ભારત માટે વસ્તી નહીં, વહાલ જરૂરી : મોદી

ઓકલેન્ડ, તા. 11 : ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારત માટે જેની સાથે સંબંધ બાધે છે, તે દેશની વસ્તી નહીં, વહાલ મહત્ત્વનું છે. ભારતીય સમુદાય તરફથી ભાવભર્યું સ્વાગત થયા બાદ મોદીએ કહ્યું હતું કે, હવે ન્યૂઝીલેન્ડ ફરી આવતાં 40 વર્ષ નહીં લાગે. બન્ને દેશ રમતમાં શાનદાર `કોલેબ' કરી શકે છે. મતલબ કે સાથે મળીને કામ કરી શકે છે. ભારત રગ્બીમાં ન્યૂઝીલેન્ડ પાસેથી શીખવા માગે છે. કોચ જોઇએ છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. મોદી બોલ્યા હતા કે, ન્યૂઝીલેન્ડ પાસેથી અમે ઘણું શીખી રહ્યા છીએ. આ એ દેશ છે, જેણે સૌથી પહેલાં મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. મોદીએ ન્યૂઝીલેન્ડની સુંદર માઓરી પરંપરાના પ્રતીક `વાકા'નો ઉલ્લેખ કર્યો હતો. માઓરી ભાષામાં વાકાનો અર્થ  `પરંપરાગત હોડી કે બોટ' થાય છે, જેનો પ્રાચીન સમયમાં પ્રશાંત મહાસાગર ખેડીને ન્યૂઝીલેન્ડ સુધી પહોંચવા માટે ઉપયોગ થતો હતો. પીએમ મોદીએ આ બોટને બંને દેશની સહિયારી સફરનું પ્રતીક ગણાવતાં કહ્યું કે, `વાકા' હવે એક નવી યાત્રા પર નીકળવા તૈયાર છે. તેમણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિપક્ષ લેબર પાર્ટીના સભ્યોનો પણ આભાર માન્યો, જે દર્શાવે છે કે, કિવી-ઇન્ડિયન સમુદાયનાં યોગદાનને અહીંના તમામ પક્ષો કેટલું મહત્ત્વ આપે છે. વડાપ્રધાને ઓકલેન્ડથી લઈને વાલિંગ્ટન અને ક્રાઈસ્ટ ચર્ચથી ક્વીન્સટાઉન સુધી વસેલા ભારતીય સમુદાયના વખાણ કરતાં એક રસપ્રદ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડ એક એવો દેશ છે જ્યાંની સડકો પર પણ ભારતીય શહેરોનાં નામોને સન્માન આપવામાં આવ્યું છે. અહીં ક્યાંક ખંડાલા છે, ક્યાંક બોમ્બે હિલ્સ છે, તો ક્યાંક કોરોમંડલ, કલકત્તા સ્ટ્રીટ, દિલ્હી ક્રિસેન્ટ અને અમૃતસર સ્ટ્રીટ જેવાં અનેક નામો છે.

Panchang

dd