• શનિવાર, 11 જુલાઈ, 2026

જજને આદેશ આપી સુપ્રીમમાં ઉત્પાત મચાવ્યો !

નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટમાં આજે ભારે અસામાન્ય ઘટના બની હતી. જેમાં એક અરજદારે જોરદાર હંગામો અને ઉત્પાત મચાવ્યો હતો અને કાગળિયા ઉડાવીને બૂમબરાડા કર્યા હતાં. જેને પગલે ન્યાયધીશ પણ હતપ્રભ રહી ગયા હતાં. આટલેથી નહીં અટકતાં દેશનાં મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) વિરુદ્ધ પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આ હોબાળા વચ્ચે અદાલતનાં આદેશથી તાત્કાલિક તેની અટકાયત કરી લેવામાં આવી હતી અને પછી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જો કે કોર્ટે, તેનાં ધૂંધવાટ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને કોઈ અનાદરની કાર્યવાહી કરી નહોતી. જસ્ટિસ કે.વી.વિશ્વનાથન અને જસ્ટિસ આલોક અરાઘેની પીઠ સમક્ષ સુનાવણી દરમિયાન આ ઘટના બની હતી. સવારે 11 કલાક આસપાસ કોર્ટની અંદર જઈને આરોપી અરજદારે સીધા જજોને આદેશ આપવાનાં અંદાજમાં બોલવા માંડયું હતું. તેણે કોર્ટમાં કહ્યું હતું કે, મિસ્ટર જ્યુડિશ્યલ સર્વેન્ટ (ન્યાયિક સેવક), હું તમને આદેશ આપું છું કે, લખનઉમાં સાઈબર ક્રાઈમની સિન્ડીકેટ ચલાવતા એક એઅસપી વિરુદ્ધ એફઆઈઆરનો આદેશ આપો. જેને પગલે જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે, શું તમે અમને આદેશ આપો છો? ત્યારબાદ અરજદારે દેકારો મચાવ્યો હતો અને કાગળ પણ ફેંક્યા હતાં. જેને પગલે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને ઢસડીને કોર્ટની બહાર કાઢ્યો હતો. અરજદાર પ્રબલ પ્રતાપ સિંહ પોતે પાર્ટી ઈન પર્સન તરીકે રજૂ થયો હતો. તે પોતાને સ્વાધીન ગણાવી રહ્યો હતો અને અભદ્ર વર્તન કરતો રહ્યો હતો. જો કે, અદાલતે આ શખ્સનાં ઉકળાટ અને ધૂંધવાટ પ્રત્યે દયાભાવ દાખવ્યો હતો અને વધુ કોઈ કાર્યવાહી કરી નહોતી. આ ઉપરાંત તેની અરજીનાં ગુણદોષ તપાસીને તેને પણ ખારિજ કરી હતી. 

Panchang

dd