ભુજ, તા. 11 : ચેક બાઉન્સના અલગ-અલગ
ત્રણ કેસમાં આરોપીઓને એક-એક વર્ષની સજાના હુકમ કોર્ટ દ્વારા અપાયા છે. આરોપી બારોટ
લાલજી બચુભાઇએ ફરિયાદી રાજુભા રમુભા જાડેજા પાસેથી હાથઉછીની રકમ મેળવી હતી જે પરત આપવા
લખી આપેલા ચેક પરત ફરતાં રાજુભાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપી લાલજી બારોટને કોર્ટે
તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા તથા ચેકની રકમના નવ ટકા વ્યાજ લેખે રૂા. 2,44,500 આરોપીએ ફરિયાદીને ચૂકવી આપવા અને રકમ ન ચૂકવે તો વધુ
છ-છ માસની કેદનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત અન્ય એક કેસમાં શામજી પ્રેમજી ગોરસિયાએ નીલેશ
કાંતિલાલ ટાંક વિરુદ્ધ રૂા. 4,50,000નો ચેક પરત ફર્યા
અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં પણ આરોપી નીલેશને કસૂરવાન ઠેરવી એક વર્ષની કેદ તથા લેણી રકમ 30 દિવસમાં ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો હતો. આ બંને
કેસમાં હુકમની અમલવારી કરવામાં ન આવતાં કોર્ટ દ્વારા બંને વિરુદ્ધ સજાના વોરંટ ઇસ્યૂ
કરી બંને આરોપી લાલજી અને નીલેશની ધરપકડ કરી સજા ભોગવવા પાલારા જેલ ખાતે મોકલી આપવામાં
આવ્યા છે. ત્રીજા ચેક બાઉન્સની કેસની વિગતો મુજબ ભુજના ગ્લોબલ ટ્રેડિંગના ઓથોરાઇઝ્ડ
પર્સન પ્રકાશ શિવજી કોઠીવારે આણંદના ઉદ્યોગપતિ સનલાઇટ પલ્પ એન્ડ પેપર્સ પ્રા. લિ.ના
માલિક વસંતકુમારના ચૂકવણા અંગેના ચેક પરત ફર્યા અંગેની ફરિયાદ ભુજ કોર્ટમાં નોંધાવી
હતી. આ કેસમાં 31 દસ્તાવેજી આધાર અને સાહેદોની જુબાનીના આધારે આરોપીને
કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા તથા રૂા. 44,77,000 વળતર પેટે 30 દિવસમાં ચૂકવવા જો
રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરી કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યૂ કર્યો
છે. આ ત્રણે કેસમાં ફરિયાદીઓના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી,
જય કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.