• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કયા આધારે 77 મુસ્લિમ જાતિને ઓબીસી ક્વોટા?

નવી દિલ્હી, તા. 5 : બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓને ઓબીસી અનામત આપવાના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારનો જવાબ માગ્યો છે. મમતા સરકારના નિર્ણય ઉપર હાઇ કોર્ટે રોક મૂકી હતી. જેનાં સામે બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. હવે અદાલતે સવાલ કર્યો છે કે ક્યા આધારે 77 જાતિને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો છે ? આ જાતિઓમાં મોટાભાગના મુસ્લિમ ધર્મ માનનારી છે. કોલકાતા હાઇ કોર્ટે મે મહિનામાં જ અનામતને અયોગ્ય ઠેરવી હતી અને 77 જાતિને ઓબીસીની યાદીમાંથી બહાર કરવાનો આદેશ  આપ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં દલીલો પણ થઈ હતી. બંગાળ સરકારના વકીલે ઉચ્ચ ન્યાયાલય ઉપર નિશાન સાધ્યું હતું અને ઓબસીસી કોટાને લઈને બનેલી જાતિની યાદી ઉપર ઉચ્ચ ન્યાયાલયની ટિપ્પણી ઉપર રાજ્ય સરકારે વાંધો ઉઠાવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારે દલીલોમાં કહ્યું હતું કે, શું હાઇ કોર્ટ રાજ્ય ચલાવવા માગે છે ? ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની આગેવાનીની બેંચે કેસની સુનાવણી કરી હતી. સુનાવણીમાં બંગાળ સરકારના વકીલ ઇન્દિરા જયસિંહે કહ્યું હતું કે, ઉચ્ચ ન્યાયાલયે પોતાની સીમાથી આગળ જઈને ફેંસલો આપ્યો છે. ચાલુ વર્ષે જ હાઇ કોર્ટે 77 મુસ્લિમ જાતિને ઓબીસીની યાદીમાં સામેલ કરવાના નિર્ણયને રદ કરી દીધો હતો. હાઇ કોર્ટે કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયને રાજકીય હિતો સાધવા માટે એક કોમોડિટી તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આ ટિપ્પણી ઉપર બંગાળના વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી અને હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. આ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સહમતી વ્યક્ત કરી હતી. સુનાવણીમાં સીજેઆઇએ કહ્યું હતું કે, જાતિની ઓળખ બંગાળ પછાત વર્ગ આયોગનો ઉલ્લેખ કર્યા વિના થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang