તેલ અવિવ, તા. 4 : બદલો લેવા વ્યાકુળ ઈરાન ગમે ત્યારે ઈઝરાયલ
પર ભીષણ હુમલો કરે તેવી ભીતિને પગલે મધ્યપૂર્વમાં તણાવ ચરમ પર છે અને દુનિયામાં ચિંતા
સાથે ઉચાટ છવાયો છે. યુદ્ધ પહેલાની ઝલક બતાવતા હિઝબુલ્લાહે દક્ષિણ લેબનાનથી ઉત્તર ઇઝરાયલના
વિસ્તારોને નિશાન બનાવી અનેક રોકેટ દાગ્યા છે. સાથે અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. રોકેટ
હુમલાને કારણે ઈઝરાયલનાં જંગલમાં આગ ભભૂકી ઉઠી છે. આ હુમલામાં ઈઝરાયલી વિસ્તારોમાં
વ્યાપક નુકસાન થયું છે. દરમ્યાન, ?ઇઝરાયલે રવિવારે વહેલી સવારે ગાઝામાં કરેલા હુમલામાં
18 જણ માર્યા ગયા હતા, જ્યારે તેલ અવિવમાં પેલેસ્ટાઇનના આતંકીએ છરીથી કરેલા હુમલામાં
બે લોકોનાં મોત થયાં હતાં. સ્થિતિની ગંભીરતા પારખીને અમેરિકી જનરલ દોડી આવ્યા છે. ઈઝરાયલે
ઈરાનના હુમલાની સંભાવના વધી ગયા બાદ અમેરિકા અને બ્રિટન પાસે મદદ માગી છે. ઈઝરાયલે
નાટો સમજૂતી હેઠળ કરવામાં આવેલા અબ્રાહમ ગઠબંધનની યાદ અપાવી છે. ઈરાન સીધો હુમલો કરશે
કે પ્રોક્સી વોર છેડશે ? તે નક્કી નથી. અન્ય દેશોમાં ઈઝરાયલનાં ઠેકાણાઓને પણ નિશાન
બનાવવામાં આવી શકે છે. એવા અહેવાલ છે કે, ઈરાને
હુમલાની તૈયારી કરી લીધી છે, આદેશ જારી થઈ ચૂક્યો છે અને સોમવારે હુમલો કરવામાં આવી
શકે છે. ઈઝરાયલનું રક્ષણ કરવા અમેરિકાએ ગતિવિધિ વધારી છે. મધ્ય એશિયામાં જંગી લડાકુ
જહાજો અને વિમાનો તૈનાત કર્યા છે. દરમિયાન અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઇકલ
કુરિલા શનિવારે મધ્ય એશિયામાં આવી પહોંચ્યા હતા. બીજીબાજુ ઇઝરાયલે રવિવારે કરેલા હુમલામાં
હોસ્પિટલ કેમ્પમાં ચાર પેલેસ્ટાઇની સહિત 18 લોકોનાં મોત થયા હતા, તો તેલ અવિવમાં એક
આતંકીએ છરીથી કરેલા હુમલામાં બે વૃદ્ધના જીવ ગયા હતા જ્યારે બે જણ ઘાયલ થયા હતા.