• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

આતંકવાદ કોઈ પણ રૂપમાં સ્વીકાર્ય નહીં

વિયેના, તા. 10 (પીટીઆઈ) : ઓસ્ટ્રિયન ચાન્સેલર કાર્લ નેહમ્મેર સાથે પ્રવર્તમાન રાજકીય વિવાદો, યુક્રેન સંઘર્ષ વગેરેને આવરી લેતી ફળદાયી ચર્ચા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સમય લડાઈનો નથી. આતંકવાદ કોઈ પણ સ્વરૂપમાં સ્વીકાર્ય નથી. મોદીએ ઓસ્ટ્રિયાની કંપનીઓને મજબૂતીથી આગળ વધતા ભારતમાં રોકાણ માટેનું આમંત્રણ આપ્યું હતું.  રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મંગળવારે રાત્રે વિયેના પહોંચી આવ્યા હતા. 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની અહીંની મુલાકાત દરમ્યાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રિયાએ દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવાની શક્યતાઓ શોધી લીધી છે અને આગામી દાયકાઓમાં તે જળવાઈ રહે તે માટેની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરી લીધી છે. નેહમ્મેર સાથેની વાટાઘાટો બાદ એક સંયુકત અખબારી નિવેદનમાં મોદીએ જણાવ્યું હતું કે, અનેક નિર્દોષ લોકોના જાન નાય તે સ્વીકાર્ય નથી. સમસ્યાઓ યુદ્ધભૂમિમાં ઉકેલાશે નહીં. ચાન્સેલર કાર્લ નેહમ્મેરે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, ભારત એક પ્રભાવશાળી અને વિશ્વસનીય દેશ છે. મને રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિના મંડાણ માટે તેનાં પગલાં એ તેમનું મહત્ત્વપૂર્ણ પાસું છે. ઓસ્ટ્રિયામાં પીએમ મોદીનું ઉમળકાભેર  સ્વાગત થયું હતું, જેના માટે મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, તેઓને આનંદ છે કે, ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ ઓસ્ટ્રિયાની મુલાકાતની તક મળી છે.  મારા માટે યાત્રા ઐતિહાસિક હોવાની સાથે વિશેષ છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને ઓસ્ટ્રિયાનો પ્રવાસ કર્યો છે. આ સુખદ સંયોગ છે કે યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે દ્વિપક્ષીય સંબંધોને 75 વર્ષ પૂરાં થયાં છે. પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, લોકતંત્ર અને રૂલ ઓફ લો જેવાં મૂલ્યોમાં વિશ્વાસ બન્ને દેશના સંબંધોનો મજબૂત પાયો છે. પરસ્પર વિશ્વાસ અને હિતથી સંબંધોને બળ મળે છે.  પીએમ મોદીએ આતંકવાદ જેવા મુદ્દે પણ ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ચાન્સેલર નેહમ્મેર સાથે વિશ્વમાં ચાલી રહેલા વિવાદો ઉપર વિસ્તારથી વાતચીત કરી છે. પહેલાં પણ તેઓએ કહ્યું છે કે આ સમય યુદ્ધનો નથી. અમે બન્ને આતંકવાદની કઠોર નિંદા કરી છે તેમજ સહમતી બની છે કે આતંકવાદ કોઈ પણ રૂપમાં સ્વીકાર્ય નથી. વધુમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં બદલાવ માટે સહમતી બની છે, જેથી તેઓને સમકાલીન બનાવી શકાય.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang