• મંગળવાર, 23 જુલાઈ, 2024

પાંચ જવાનની શહીદી વ્યર્થ નહીં જાય

નવીદિલ્હી, તા.9 : જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ પ જવાને શહાદત વહોરી છે. આ આતંકી કૃત્ય સામે આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય સંરક્ષણ સચિવ ગિરિધર અરમાને કહ્યું છે કે, આ હુમલામાં બલિદાન આપનારા જવાનોનો બદલો લેવામાં આવશે અને ભારત હુમલા પાછળની ખરાબ તાકાતોને હરાવશે. દરમ્યાન, હુમલાની તપાસમાં મદદ માટે એનઆઈએની ટીમો પણ રવાના થઈ છે. કઠુઆ આતંકી હુમલામાં શહીદ થયેલા પ બહાદુર જવાનો માટે ઘેરું દુ:ખ અને શોક પ્રગટ કરતાં તેમના પરિવારો પ્રત્યે તેમણે સંવેદના પણ દર્શાવી હતી. અરમાને કહ્યું હતું કે, રાષ્ટ્ર માટે તેમની નિ:સ્વાર્થ સેવાને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમનાં બલિદાનનો બદલો લેવાશે અને આવી આતંકી તાકાતોને હરાવવામાં આવશે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શોકમગ્ન પરિવારો માટે સાંત્વના પાઠવતા કહ્યું હતું કે, આ કઠિન સમયમાં રાષ્ટ્ર તેમની પડખે છે. આતંકવાદ વિરોધી અભિયાન જારી છે અને આ કાયરતાપૂર્ણ હુમલામાં ઘાયલ થયેલા જવાનો પણ શીઘ્ર સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે. દરમિયાન આજે કઠુઆ હુમલાનાં બીજા જ દિવસે નશનલ હાઈવે ઉપર સેલ્ફી પોઈન્ટ પાસે એક આઈઈડી બોમ્બ મળી આવતા દહેશત ફેલાઈ ગઈ હતી. સુરક્ષાદળોએ આ બોમ્બને નિક્રિય કરી નાખ્યો હતો. આ ઉપરાંત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર બનેલા ટોલ પ્લાઝા પાસેથી પણ બે મોર્ટાર શેલ મળી આવ્યા હતાં. આમ કઠુઆ બાદ વધુ હુમલા કરવાની ફિરાકમાં આતંકીઓ હતા એની પુષ્ટિ પણ મળી છે. - નેગી પરિવાર પર આભ તૂટયું : બે મહિનામાં બીજો પુત્ર શહીદ : દહેરાદુન, તા. 9 :  જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના પર  થયેલા આતંકી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાન શહીદ થયા છે. આ શહીદોમાં એક છે રાઈફલમેન આદર્શ નેગી, તેઓ ટિહરી જિલ્લાના કીર્તિનગરના થાતી (ડાંગર) ગામના રહેવાસી છે. શહીદના આ પરિવાર પર આભ તૂટી પડયું છે. બે મહિના પૂર્વે જ નેગીના કાકાના પુત્ર દેશહિત માટે લડતા શહીદ થયા હતા. તેઓ ભારતીય સેનામાં મેજર હતા. નેગી પરિવાર અગાઉથી જ તેના દુ:ખમાં હતો ત્યાં બે મહિના બાદ ફરીથી તેમના પરિવારમાંથી એક પુત્ર શહીદ થતાં પરિવાર પર જાણે દુ:ખનો  ડુંગર તૂટી પડયો હતો. શહીદના કાકા દલવિરસિંહે જણાવ્યું હતું કે, બે મહિના પૂર્વે અમારા એક પુત્રે યુદ્ધમાં શહીદી વહોરી હતી. બે મહિના બાદ ફરીથી દુ:ખ આવી પડયું છે. સરકારે આ આતંકીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. કડક કાર્યવાહી કરવાથી ભવિષ્યમાં આતંકી ફરી હુમલો કરી ન શકે. એક વખત સરકારે મોટો નિર્ણય લેવો જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang