• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

બોમ્બ-બંદૂકો વચ્ચે શાંતિના પ્રયાસ સફળ થતા નથી

નવી દિલ્હી, તા. 9 : રશિયાના પ્રવાસના આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ સ્પષ્ટ સંદેશમાં જણાવ્યું હતું કે, યુક્રેનનાં ઘર્ષણનો ઉકેલ યુદ્ધનાં મેદાનમાં નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિના પ્રયાસો સફળ થતા નથી. નિર્દોષ બાળકોની હત્યા હૃદયદ્રાવક અને દુ:ખદ છે. મોદી અને પુતિનની દ્વિપક્ષી શિખર મંત્રણામાં આવનારા સમયમાં પણ ભારત-રશિયા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનવાનો વિશ્વાસ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ દ્વિપક્ષી વાટાઘાટ દરમિયાન આતંકવાદથી લઈને આવનારા સમયના પડકારોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરમ્યાન, મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન `ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ'થી નવાજવામાં આવ્યા હતા. ભારતીય સમુદાયને સંબોધતાં વડાપ્રધાને રાજ કપૂરના ફિલ્મની પંક્તિ `સર પે લાલ ટોપી રૂસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' ગણગણ્યું હતું. પુતિન સાથે દ્વિપક્ષી વાટાઘાટમાં મોદીએ કહ્યું હતું કે, ઊર્જાનાં ક્ષેત્રમાં ભારત-રશિયાના સહયોગે દુનિયાની મદદ પણ કરી છે. છેલ્લાં પાંચ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. પહેલા કોવિડનાં કારણે અને પછી અનેક ઘર્ષણોનાં કારણે આ પડકારો ઊભા થયા હતા, જ્યારે દુનિયામાં ખાદ્યપદાર્થો, ઈંધણ અને ખાતરની તંગી હતી ત્યારે અમે કિસાનોને સમસ્યા આવવા દીધી નહોતી અને તેમાં રશિયા સાથેના સંબંધોએ ભૂમિકા નિભાવી હતી. મોદીએ આગળ પુતિનને કહ્યું હતું કે, ભારત રશિયા સાથેનો સહયોગ વધારવા માગે છે, જેથી અમારા કિસાનોનું કલ્યાણ થાય. ગઈકાલની બેઠકમાં અમે યુક્રેન મુદ્દે વિચારોની આપ-લે કરી હતી. યુદ્ધક્ષેત્રમાં કોઈ સમાધાન સંભવ નથી હોતું. શાંતિની બહાલી માટે ભારત શક્ય તમામ સહયોગ માટે તૈયાર છે. મોદીએ આગળ કહ્યું હતું કે, હું તમને અને વિશ્વ સમુદાયને વિશ્વાસ અપાવું છું કે, ભારત શાંતિના પક્ષે છે. ગઈકાલની તમારી વાત સાંભળીને આના માટે આશાવાદ પણ છે. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિના પ્રયાસ સફળ થતા નથી. આ ઉપરાંત મોદીએ કહ્યું હતું કે, ભારત લગભગ છેલ્લાં 40 વર્ષથી આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે અને હું કોઈપણ પ્રકારના આતંકવાદની નિંદા કરું છું. બન્ને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને મોદીએ કહ્યું હતું કે, આમ તો દ્વિપક્ષી વાટાઘાટનો કાર્યક્રમ 2પ વર્ષથી ચાલી રહ્યો છે. કદાચ આવું પહેલીવાર બન્યું છે કે, આ મંત્રણા ઉપર આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત છે. મારી આ મુલાકાતના અલગ મતલબ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે તમે મને આપના નિવાસે બોલાવીને એક સાચા મિત્ર તરીકે વિભિન્ન મુદ્દે વાત કરી હતી. મને ખુશી છે કે, યુક્રેનના વિષય ઉપર પણ વિસ્તારથી ચર્ચા થઈ. આપણે આદરપૂર્વક એકબીજાના વિચારોને સમજવાનો પ્રયાસ કર્યો. મેં પહેલાં પણ કહ્યું કે, આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભાવિ માટે શાંતિ આવશ્યક છે. આપણે વાટાઘાટનાં માધ્યમથી જ શાંતિનો માર્ગ અપનાવીએ છીએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang