• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

સંસદના પ્રથમ સત્રના પ્રારંભે સંઘર્ષનાં એંધાણ

નવી દિલ્હી, તા. 24 : દેશની 18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રારંભે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી સહિત 262 સાંસદે શપથ ગ્રહણ કર્યા હતા. સત્રના પ્રથમ દિવસે જ પ્રોટેમ સ્પીકર નિયુક્તિ તેમજ નીટ-યુજી પરીક્ષામાં ગરબડ જેવા મુદ્દે વિપક્ષી છાવણી દ્વારા વિરોધની સંસદ સાક્ષી બની હતી. આવતીકાલ સુધી સ્થગિત થયેલું લોકસભા સત્ર કાલે મંગળવારની સવારે 11 વાગ્યે શરૂ થશે. લોકસભા સત્રના પ્રથમ દિવસે સંસદમાં વિપક્ષી છાવણી છવાયેલી રહી હતી. પ્રોટેમ સ્પીકરની નિમણૂક સામે સંસદ બહાર પરિસરમાં દેખાવો બાદ સત્ર દરમ્યાન સંસદની અંદર પણ `નીટ' પેપર લીક મુદ્દે વિપક્ષે `િવરોધી' સૂરમાં નારેબાજી કરી હતી. સૌથી પહેલાં શપથ લેવા વડાપ્રધાન મોદી પોડિયમ પર આવ્યા, ત્યારે રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક સાંસદોએ બંધારણની નકલ હવામાં લહેરાવી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા મંચ તરફ આગળ વધ્યા ત્યારે વિપક્ષી સાંસદોએ `નીટ-નીટ... શેમ-શેમ'ના નારા લગાવ્યા હતા. સવારે 11 કલાકે શરૂ થયેલી કાર્યવાહીમાં સૌથી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મંત્રીમંડળના સદસ્યોએ સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરીએ શપથ લીધા હતા. ત્યાર બાદ મંત્રીમંડળના અન્ય સદસ્યોએ શપથ લીધા હતા. પ્રધાનો બાદ વિભિન્ન રાજ્યોનાં સાંસદોએ સંસદની સદસ્યતાના શપથ ગ્રહણ કર્યા હતા. આજે વિરોધ પ્રદર્શન કરવા માટે વિપક્ષનાં ઇન્ડિયા ગઠબંધનનાં સાંસદો બંધારણની પ્રતો લઈને આવ્યા હતા અને વડાપ્રધાન મોદીએ જ્યારે શપથ લીધા ત્યારે રાહુલ ગાંધીએ સંવિધાનની નકલ પણ ઊંચી કરીને બતાવી હતી.  આજે 18મી લોકસભાનાં પ્રથમ સત્રના આરંભે નવા સંસદ ભવનમાં નીચલા ગૃહનું બદલાયેલું દૃશ્ય જોવા મળ્યું હતું. વડાપ્રધાન મોદી ગૃહમાં પ્રવેશ સમયે ચહેરા ઉપર સ્મિત રેલાવતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનાં આગમન સાથે સાંસદોએ પોતાનાં સ્થાને ઊભા થઈને તાળીઓ વગાડી હતી અને મોદીએ પણ હાથ જોડીને અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ તેમણે સાંસદ તરીકે શપથ લીધા હતા. આજે પહેલાં સત્રનું કામ રાષ્ટ્રગીત અને પછી નવા ચૂંટાયેલા સાંસદો દ્વારા મૌન સાથે શરૂ થયું હતું. આજે ગૃહની કાર્યવાહી ચલાવવાની જવાબદારી પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબના હાથમાં હતી. તેમણે નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવ્યા હતા. જેમાં સૌથી પહેલા મોદીએ શપથ ગ્રહણ કર્યા ત્યાર પછીનો અલગ જ નજારો જોવા મળ્યો હતો. મોદીએ રાહુલ સામે નમસ્કારની મુદ્રામાં અભિવાદન કર્યું હતું અને રાજકીય મંચ ઉપર મોદી સામે જોરદાર હુમલા બોલાવનાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન સામે હાથ જોડયા હતા અને અભિવાદન કર્યું હતું. જો કે, વિરોધ પ્રદર્શન માટે તેઓ સાથે લાવ્યા હતા એ બંધારણની નકલ પણ ત્યારે તેમના હાથમાં હતી. બરાબર તેમની બાજુમાં સપાના નેતા અને સાંસદ અખિલેશ યાદવ હતા અને તેમણે પણ મોદીનું અભિવાદન કર્યું હતું. વધુ શક્તિશાળી બનીને આવેલો વિપક્ષ નવી લોકસભાના પહેલા સત્રમાં અનેક મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. જેનો અણસાર આજે પણ મળી ગયો હતો. આજે લોકસભાનાં સત્રના પહેલા દિવસે જ ભાજપના નેતા અને સાતમીવાર સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવા મુદ્દે વિવાદ થઈ ગયો હતો. વિપક્ષનો આરોપ છે કે, સરકારે આ પદ માટે કોંગ્રેસના સદસ્ય કોડિકુન્નિલ સુરેશના દાવાને નજરઅંદાજ કર્યો છે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ આ આરોપના જવાબમાં કહ્યું હતું કે, કોંગ્રેસનાં સાંસદ સતત જીતેલા નથી એટલે તેમની વરિષ્ઠતા આ પદ માટેનો આધાર બનતી નથી. સંસદનાં સત્રનાં આજે પહેલા દિવસે 280 સાંસદે શપથ લીધા હતા અને આવતીકાલે બીજા દિવસે 264 સાંસદ શપથ લેશે. ત્યાર બાદ 26મી જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે. આ પછી 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદનાં બન્ને ગૃહને સંયુક્ત સંબોધન કરશે. ગુરુવારે રાજ્યસભાનું 264મું સત્ર શરૂ થશે. રાષ્ટ્રપતિનાં સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને એકથી ત્રણ જુલાઈ દરમ્યાન રાષ્ટ્રપતિનાં અભિભાષણનાં આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang