ભુજ, તા. 6 : મિરજાપર ધોરીમાર્ગ પર આજે એક્ટિવા પર જતા ભુજના બે વેપારી ભાઇને ટ્રકે પાછળથી ટક્કર મારતાં 62 વર્ષીય મુસ્તફા ઇસ્માઇલ વેજલાણીનું ગંભીર ઇજાના પગલે મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસ તેમજ અંતરંગ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ભુજના સ્ટેશન રોડ ઉપર હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારી અને વ્હોરા કોલોનીમાં રહેતા મુસ્તફા વેજલાણી તેમના મોટાભાઇ અકબર સાથે એક્ટિવા પર આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં કામ અર્થે મિરજાપર તરફ ગયા હતા. અકબરભાઇ એક્ટિવા ચલાવી રહ્યા હતા અને મુસ્તફા પાછળ બેઠા હતા. મિરજાપર હાઇવે ઉમિયા સ્ટોર્સની સામે એક્ટિવાને પાછળથી ટ્રકે ટક્કર મારતાં મુસ્તફાને પીઠ અને મણકાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં તેઓનું મૃત્યુ થયું હતું. વડીલ મુસ્તફાનું પોસ્ટમોર્ટમ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં કરાવી એ-ડિવિઝન પોલીસે?ટ્રકચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતમાં મોત નીપજાવ્યાનો ગુનો દાખલ કરી પી.એસ.આઇ. અશોક વાઘેલાએ તપાસ હાથ ધરી છે. બીજીતરફ આ અકસ્માતમાં મોતનાં પગલે વ્હોરા સમાજ તથા વેપારીઓમાં શોકની લાગણી પ્રસરી હતી અને સમાજના અગ્રણીઓ મદદ અર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા.