નખત્રાણા, તા. 20 : `પોલીસ જનતાનો મિત્ર છે' તેની સાર્થકતા માટે પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે વિવિધ ગામોની સ્થાનિક મુલાકાત લઈ ગામોની સલામતીના પ્રશ્નો-સમસ્યાના નિવારણ અંગે સરપંચ-અગ્રણીઓ સાથે ખુલ્લા મંચ ઉપર ચર્ચા આયોજનના ભાગરૂપે નખત્રાણા તાલુકાના રસલિયા અને નેત્રા ગામે કાર્યક્રમ યોજાયો હતો. નખત્રાણાના પી.આઈ. ઈશરાની પોલીસ ટીમ સાથે નેત્રા (માતાજી) તથા રસલિયા ગામની મુલાકાતે આવતા ગ્રામજનોને દારૂનું દુષણ, અરસપરસ ગ્રામજનોની જુની અદાવત રાખી કરાતા કેસ સહિતના પ્રશ્નોની નેત્રા ગામે સરપંચ બહાદુરસિંહ જાડેજા તથા રસલિયા ગામના સરપંચ જયંતિલાલ પરમાર તથા ગામોના આગેવાનો સાથે રહી પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી જેનો પ્રતિભાવ આપતાં પી.આઈ. ઈશરાનીએ ગામની સમસ્યા અને સલામતી માટે પોલીસ તંત્ર પ્રજા સાથે છે. પોલીસ પ્રજાનો મિત્ર છે એવી ધરપત આપી હતી. નેત્રા ગામે મફતનગરમાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાની ગ્રામજનોની રજૂઆત તથા કેસની રજૂઆતનો પ્રત્યુત્તર આપતા નખત્રાણા પી.આઈ. ડી. એસ. ઈશરાનીએ સમસ્યા નિવારવા ખાત્રી આપી હતી. શ્રી ઈશરાનીએ ગામમાં ઘટતી અઘટિત ઘટનાઓ, અકસ્માત, આપઘાત વિવિધ ઘટનાની પોલીસ તંત્રને સત્વરે નિડરતા પૂર્વક જાણ કરવા અપીલ કરી હતી. ગ્રામજનો દ્વારા પી.આઈ. તથા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.