• બુધવાર, 18 નવેમ્બર, 2026

મેઘપર (કું.)ની સોસાયટીમાં તસ્કરોનો ભારે આતંક

બંધ મકાનનાં તાળાં તોડી 5.74 લાખના દાગીના તફડાવાયા : પરિવાર તહેવારમાં વતન ગયો ને તસ્કરોનું પરાક્રમ : અન્ય ત્રણ મકાનમાં પણ ચોરીની કોશિશ

ગાંધીધામ, તા. 17 : અંજાર પોલીસ મથકની હદમાં આવતી મેઘપર-કુંભારડીના અરિહંતનગર વિસ્તારમાં નિશાચરોએ રીતસરનો તરખાટ મચાવ્યો હતો. અહીંના એક બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરોએ તેમાંથી રૂા. 5,74,000ના દાગીના, રોકડ રકમની તફડંચી કરી હતી, જ્યારે અન્ય ત્રણ મકાનોમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો. મેઘપર-કુંભારડીના અરિહંતનગરમાં પ્લોટ નંબર 99-100માં છેલ્લા ત્રણેક મહિનાથી રહેતા મૂળ પાલનપુરના મનિષકુમાર ચંપકલાલ સોનીએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમના બંધ મકાનમાં ગત તા. 15-11થી 16-11 દરમ્યાન નિશાચરોમાં હાથ માર્યો હતો. આ ફરિયાદી તથા તેમના પત્ની અને દીકરો ગત તા. 11-11ના ભાઇબીજ હોવાથી વતન પાલનપુર ગયા હતા તે ગઇકાલે સવારે પાલનપુર હતા ત્યારે પાડોશમાં રહેતા બકુલભાઇએ ફોન કરી ઘરનાં તાળાં તૂટેલાં હોવાનું કહ્યું હતું. બાદમાં વીડિયો કોલ કરી ફરિયાદીએ જોતાં ઘરના તાળાં તૂટેલાં જણાયાં હતાં, તેમના કુટુંબી ભાઇ ભાવિક જોશી ત્યાં આવી વીડિયો કોલ કરી  બતાવતાં ઘરમાં તમામ સર-સામાન વેર-વિખેર જણાયો હતો, જેથી ફરિયાદી તાબડતોબ પરત અહીં દોડી આવ્યા હતા. તસ્કરોએ બંધ ઘરના લોખંડના દરવાજાનું તાળું તોડી સેન્ટ્રલ લોક તોડી અંદર ઘુસ્યા હતા અને અંદર રાખેલા ફરિયાદીના તથા ગ્રાહકોના દાગીના તફડાવી લીધા હતા. મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ચલાવતા આ ફરિયાદીના ઘરમાંથી સોનાના પરચૂરણ દાગીના જેમાં સાડા ત્રણ તોલાના નાકના દાણા, કાનની વાળી, ઓમ, પેન્ડલ, ચાંદીના પરચૂરણ દાગીના 6 કિલો જેમાં પગના સાંકળા, હાથની લક્કી, ગળાની ચેન, વીંટી, માછલી, બાળકોના કડલા, ચાંદીના સિક્કા, ફરિયાદીની પત્નીનું સોનાનું 16 ગ્રામનું મંગળસૂત્ર, 7.5 ગ્રામની 3 વીંટી, 3 ગ્રામની કાનની બુટ્ટી, 40 ગ્રામના ચાંદીના સાંકળા તથા રોકડ રૂા. 4000 તેમજ   રૂા. 20,000ની સાડી ભરેલી બે સૂટકેશ એમ કુલ રૂા. 5,74,000ની મત્તાનો હાથ માર્યો હતો. આ નિશાચરોએ આ જ સોસાયટીના પ્લોટ નંબર 113-114માં રામપ્રકાશ ચૂનીલાલ તથા પ્લોટ નંબર 160-161માં રામચંદ્ર નિનાદના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તેમજ બાજુની સોસાયટી રાધાનગર-3માં પ્લોટ નંબર 168-169/2માં રાજકુમારસિંહના બંધ ઘરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. તહેવારો કે વેકેશનમાં લોકો પોતાના વતન જાય છે, ત્યારે બંધ મકાનો સુરક્ષિત રહેતાં નથી. આ કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે, જ્યાં સામાન્ય નાગરિકોની વર્ષોની મહેનતની કમાણી રાતોરાત ચોરાઇ જાય છે. એકીસાથે ચાર-ચાર મકાનનાં તાળાં તૂટતાં આવા તત્ત્વોને પોલીસનો કોઇ જ ડર ન રહ્યો હોવાનો લોકોને અહેસાસ થઇ રહ્યો છે. મેઘપર-કુંભારડી, બોરીચીની સોસાયટીઓમાં પોલીસ પેટ્રોલિંગ નહીંવત છે ત્યારે આ સોસાયટીઓમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા લોકોમાં માંગ ઊઠી છે. આવા તત્ત્વો વહેલી તકે ન પકડાય તો પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ ડગમગી જશે તેમાં બે મત નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd