નવી દિલ્હી, તા. 17 : હિંદ-ભારતનો
વિકાસ અને આસિયાન દેશોની સમૃદ્ધિ એકબીજા સાથે ગૂંથાયેલા છે. વર્ષ 2045ના
આસિયાન સમુદાય દૃષ્ટિકોણ અને 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય સમાન આકાંક્ષાઓને પૂરી
કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય પડકારો સામે
સંવાદ અને કૂટનીતિ જ એક માત્ર માર્ગ છે તેમ ફિલિપાઈન્સ ખાતે મનીલામાં યોજાયેલા 23મા
આસિયાન-ભારત શિખર સંમેલનને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. એક મીડિયા હેવાલ
મુજબ,
આસિયાન નેતાઓ સાથે યોજાયેલી આ 13મી
બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, 12 વર્ષમાં ભારત અને આસિયાને પોતાની
ભાગીદારીને નવી દિશા-ગતિ આપી છે. આસિયાનની એક્તા અને ક્ષેત્રીય મામલાઓમાં કેન્દ્રીય
ભૂમિકા માટે ભારત તરફથી નિરંતર સમર્થન મળતું રહેશે. પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આર્થિક સહયોગ વધારવા આહ્વાન કર્યું
હતું. 2014થી
ભારત અને આસિયાન દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે સોથી પણ વધુ પહેલ કરાઈ છે, જે અંતર્ગત 250થી વધુ તત્કાળ પ્રભાવવાળી પરિયોજનાઓ શરૂ કરાઈ છે
અને કૌશલ્ય વિકાસ માટે 10,000થી વધુ છાત્ર પ્રવૃત્તિઓ કરાઈ છે. ભારત અને આસિયાન
દેશો દુનિયાની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમનું ભવિષ્ય પ્રતિસ્પર્ધી
બનવાના બદલે એકમેકના સહયોગથી નક્કી થવું જોઈએ તેમ મોદીએ કહ્યું હતું. ભારતની એક્ટ ઈસ્ટ
નીતિના કારણે છેલ્લા ઘણા વર્ષોમાં ભારત-આસિયાન સંબંધોમાં નવી ગતિ આવી છે. સાંસ્કૃતિક
અને વારસા પર આધારિત આ ભાગીદારી હવે ડિજિટલ પ્રોદ્યોગિકી, સંરક્ષણ અને અંતરિક્ષ જેવા નવા ક્ષેત્રો સુધી વિસ્તરી છે તેમ વડાપ્રધાને જણાવ્યું
હતું. વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી દુનિયામાં એક પછી એક અનેક સંકટો આવ્યા. તેથી વર્તમાન વૈશ્વિક
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ શિખર સંમેલનમાં ભવિષ્યનો માર્ગ નક્કી કરવો અનિવાર્ય
છે.