• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ધોનીનો વિકલ્પ મળવો અસંભવ

કપ્તાની, બેટિંગ અને વિકેટકીપિંગ ત્રણેયમાં લાજવાબ એવા માહિની નિવૃત્તિને લીધે આઈપીએલના એક યુગનો અંત

* મુંજાલ સોની

2010ની આઈ.પી.એલ. ફાઈનલની રમત ચાલુ હતી. મુંબઈ ઈન્ડિયન છ વિકેટે 133 રને રમતી હતી અને તેને બે ઓવરમાં 33 રનની જરૂર હતી. ધુરંધર કિરેન પોલાર્ડે ડગ બોલિંગરની ઓવરમાં બે સિકસર અને બે ચોગ્ગા સાથે 22 રન ફટકાર્યા હતા. મેચનું પલડું એમઆઈ ભણી ઝૂકી રહ્યું હતું અને મહેન્દ્રસિંહ ધોનીએ મેથ્યુ હેયડનને અસામાન્ય કહેવાય તેવી સ્ટ્રેટ મિડ ઓફ પોઝિશન પર ઊભો રાખ્યો હતો. દડો એલ્બી મોર્કલને આપ્યો અને તેને સૂચનાઓ આપી જે મુજબ મોર્કલે યોર્કર દડા ફેંક્યા. બીજા દડામાં પોલાર્ડ બીટ થયો અને પછી પોલાર્ડે ફુલ લેન્થ બોલ પર  હેયડનને કેચ આપી દીધો અને ચેન્નાઈ એ મેચ તથા ખિતાબ જીતી ગયું.

દુનિયાએ એલન નોટ, નયન મોંગિયા, માર્ક બાઉચર જેવા કાબેલ વિકેટકીપરો જોયા છે. એડમ ગિક્રીસ્ટ, કુમાર સંગાકારા અને રિષભ પંત જેવા ફાંકડા વિકેટકીપર બેટસમેન જોયા છે કે સ્ટિવ વો, માઈક બ્રિયરલી, ક્લાઈવ લોઈડ, સૌરવ ગાંગુલી જેવા ચાલાક કપ્તાનો પણ જોયા છે, પણ જે અત્યંત ચપળ વિકેટકીપર હોય, અત્યંત કાબેલ કપ્તાન હોય અને મહાન મેચ ફિનિશર હોય અને ત્રણેય ફોર્મેટનો ચેમ્પિયન હોય એવો વિશ્વનો એકમાત્ર ખેલાડી ધોની છે. ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચવાર ચેમ્પિયન બનાવનારો આ દિગ્ગજ ક્રિકેટર હવે મેદાન પર રમતો જોવા મળશે નહીં અને માત્ર સીએસકે જ નહીં પણ સમગ્ર ક્રિકેટ જગત માહિને મિસ કરશે. બેશક ધોની વગરની આઇપીએલની કલ્પના પણ કરવી મુશ્કેલ છે અને આપણે સૌને એટલી ધરપત છે કે માહિ મેન્ટોર તરીકે ચેન્નાઇ ટીમ સાથે જોડાયેલો રહેશે.

ધોની 2008માં છ કરોડ સાથે સૌથી મોંઘો ક્રિકેટર બનીને સીએસકે સાથે જોડાયો હતો અને આ ફ્રેન્ચાઇઝી વચ્ચે બે વર્ષ માટે પ્રતિબંધિત થઇ ત્યારે તે પૂણે ટીમ વતી રમ્યો હતો. તેણે 278 મેચમાં 38.30ની એવરેજ સાથે 137.45ની સ્ટ્રાઇક રેટ સાથે 5439 રન કર્યા હતા. આઇપીએલમાં વિકેટ પાછળ સૌથી વધુ 158 કેચ અને 47 સ્ટમ્પનો રેકોર્ડ પણ એમએસડીના નામે છે. તેણે 244 મેચમાં કપ્તાની સંભાળી જેમાં 145માં જીત અને માત્ર 96માં હાર મળી હતી. ઘૂંટણની તકલીફને લીધે તે ગઇ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો નહોતો અને 45 વર્ષની વયને જોતાં તે ગમે ત્યારે નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા તો હતી અને રિટેન્શન પૂર્વે જ આ મહાન ખેલાડીએ આઇપીએલમાંથી સંન્યાસ જાહેર કર્યો.

ધોનીએ ક્રિકેટચાહકોને કેટલીય મધુર યાદો આપી છે. 2010માં પંજાબ સામેની નિર્ણાયક મેચમાં અંતિમ ઓવરમાં 16 રન ફટકારીને ચેન્નાઇને અપાવેલી જીત કોણ ભૂલી શકે ? 2019માં રાજસ્થાન સામે માત્ર 46 દડામાં 75 રનની ઇનિંગ્સ લાજવાબ હતી. 2023માં પણ અનફિટ હોવા છતાં ધોનીએ આખરી ઓવરોમાં આવીને જે ફટકાબાજી કરી હતી એ જોઇને સૌ દંગ રહી ગયા હતા. વિકેટ પાછળ તો તેની સ્ફૂર્તિ એવી હતી કે સેકન્ડના વીસમાં ભાગમાં તે સ્ટમ્પ કરી નાખતો અને એલબીડબલ્યુના કિસ્સામાં ડી.આર.એસ. લેવા માટેના તેના નિર્ણયો એટલા સચોટ રહેતા કે રમતપ્રેમીઓ ડી.આર.એસ.ને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ નહીં પણ ધોની રિવ્યૂ સિસ્ટમ કહેતા અને તેની કપ્તાનીનું તો કહેવું જ શું ? 2018માં પંજાબ સામે ચેન્નાઇએ 27 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અંકિત રાજપૂત હેટ્રિક પર હતો ત્યારે ધોનીએ હરભજનને ઉતારીને સૌને ચોંકાવી દીધા હતા. એ દાવ સફળ રહ્યો હતો. ધોની જેવું કોઇ નહીં. તેનો વિકલ્પ મળવો લગભગ  અસંભવ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd