મોબાઇલની સર્ચ હિસ્ટ્રીના આધારે બી-ડિવિઝન પોલીસને
મળી સફળતા
ભુજ, તા. 17 : શહેરમાં
ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલી શ્રમજીવી પરિવારની 16 વર્ષની
સગીરાને ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું
હતું. પોલીસની સમયસૂચકતા અને ટેકનિકલ એનાલિસીસ મોબાઇલની સર્ચ હિસ્ટ્રીના આધારે સગીરા
મુંબઈ પહોંચે તે પહેલાં જ તેને સરખેજથી સુરક્ષિત શોધી લેવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત
વિગતો મુજબ ગઇકાલે સવારે આ સગીરા ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. કોઇ પત્તો
ન લાગતાં સાંજે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે અપહરણ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદ મળતાં
જ પોલીસે તપાસ શરૂ કરી હતી. સગીરા પાસે પોતાનો મોબાઈલ ફોન ન હોવાથી લોકેશન ટ્રેસ કરવામાં
મુશ્કેલી પડી હતી. જો કે, પોલીસે તેના માતા-પિતાના મોબાઈલ
નંબરની કોલ હિસ્ટ્રી અને ડેટાની તપાસ કરતાં તા. 14ના
રાત્રે મોબાઈલમાં `ટ્રાવેલ્સ અમદાવાદ' અને `મુંબઈ ગર્લ્સ પી.જી.' સર્ચ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મહત્ત્વની કડીના આધારે પોલીસે
ભુજથી અમદાવાદ અને મુંબઈ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી
કોઈ ભાળ ન મળતાં એસ.ટી. બસોની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સગીરા
ભુજ-બારિયા રૂટની એસ.ટી. બસમાં મુસાફરી કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે
તાત્કાલિક અમદાવાદ નજીકના સરખેજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સ્થાનિક પોલીસની મદદથી બસમાંથી
સગીરાને સુરક્ષિત રીતે નીચે ઉતારી કબજે લીધી હતી અને ભુજ પરત લાવી પરિવારજનોને સોંપી
હતી. આ ઓપરેશન મિલાપની સફળ કામગીરીમાં પી.આઇ. એસ.એમ. રાણા, પી.એસ.આઇ.
ડી.પી. ચુડાસમા, એ.એસ.આઈ. કિશોરાસિંહ બી. જાડેજા, ગિરીશભાઈ પી. રાયગોર, હે.કો. નરેન્દ્રાસિંહ પી. જાડેજા
વગેરે જોડાયા હતા.