• બુધવાર, 18 નવેમ્બર, 2026

કરોડોનું પાકિસ્તાની સોલ્ટ કૌભાંડ : કચ્છ-સૌરાષ્ટ્રના ત્રણની અટક

DRIની કાર્યવાહી : ત્રણે આયાતકાર પાકિસ્તાનથી શ્રીલંકા થઈ દુબઈથી કંડલા પોર્ટ મીઠું લાવતા'તા : ત્રણ રૂપિયાના પાકિસ્તાની સોલ્ટની કિંમત ભારતમાં રૂા. 40 અને પશ્ચિમી દેશોમાં નવ ડોલર ! : પ્રાથમિક તપાસમાં બે હજાર કરોડનું કૌભાંડ : તપાસમાં આંકડો વધવાની શક્યતા

ભાર્ગવ પરીખ દ્વારા

અમદાવાદ, તા. 17 : ભારતમાં પાકિસ્તાની ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટની મોટી માંગ છે, પણ પહેલગામના હુમલા પછી ભારતે એની આયાત પર પ્રતિબંધ મૂકતાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક આયાતકારોએ પાકિસ્તાનથી શ્રીલંકા થઇ દુબઈની કંપનીના નામે કંડલા પોર્ટથી ભારતમાં ગેરકાયદે કરોડોનું મીઠું લાવનાર કચ્છ અને વેરાવળના ત્રણ લોકોની ડીઆરઆઇએ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીઆરઆઈના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, પહેલગામમાં થયેલા હુમલા પછી ભારતે પાકિસ્તાનથી ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટની આયાત પર મે-2025થી પ્રતિબંધ મુક્યો છે, પાકિસ્તાનની ખેરવા માઇનમાંથી આવતું પિન્ક સોલ્ટ ભારતમાં મળતાં પિન્ક સોલ્ટ કરતાં સસ્તી કિંમતે મળે છે અને પશ્ચિમના દેશોમાં એની માંગ વધુ છે, ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ અને કચ્છના આદિપુર અને ગાંધીધામના કેટલાક આયાતકારોના નામ ખુલ્યાં હતાં. ડીઆરઆઈની તપાસમાં મળેલી માહિતી મુજબ કંડલાના એસઈઝેડમાંથી 15 કરોડનું સોલ્ટ સીઝ કર્યું છે. એમના આયાતના બિલની તપાસ કરતાં ડીઆરઆઈએ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પકડી પાડયું છે, જેમાં પાકિસ્તાનથી આ સોલ્ટ શ્રીલંકા જતું હતું, ત્યાંથી દુબઇ આવતું હતું, આદિપુર-ગાંધીધામના ઈમ્પોર્ટરની દુબઈની શાખાઓમાં નવેસરથી બાલિંગ થઇ એ કંડલા પોર્ટ પર આવતું હતું, પાકિસ્તાની સોલ્ટ આ આયાતકારો ભારતના અલગ-અલગ પરદેશમાં મોકલતા હતા. આખાય ષડયંત્રથી અજાણ દેશના કેટલાક વેપારીઓ એનું રિપાકિંગ કરી પોતાના બ્રાન્ડ નેમથી વેચતા હતા, પાકિસ્તાની સોલ્ટની કિંમત 3 રૂપિયા છે, જ્યારે ભારતમાં એની કિંમત 40 રૂપિયા છે અને પશ્ચિમી દેશમાં એની કિંમત એક કિલોના 9 ડોલર મળે છે. અચાનક ભારતથી આ સોલ્ટ અચાનક વધુ માત્રામાં નિકાસ થવા લાગ્યું, એટલે અમે એ વેપારીઓની પૂછપરછ કરી તો એ કચ્છના આદિપુર અને ગાંધીધામ અને સૌરાષ્ટ્રના વેરાવળથી આવતું હતું, એના બાલિંગની ઊંડી તપાસ કરી તો આ સોલ્ટ પાકિસ્તાનથી શ્રીલંકા જતું ત્યાંથી નવેસરથી બાલિંગ થઇ ભારતીય આયાતકારોની દુબઈની ઓફિસમાં આવતું અને દુબઇથી ભારત આવતું હતું, અમે ત્રણ લોકોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં બે હજાર કરોડનું ઈમ્પોર્ટ સ્કેમ દેખાય છે, તપાસ બાદ આ આંકડો હજુ મોટો હશે એવું દેખાય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd