• બુધવાર, 18 નવેમ્બર, 2026

ઈન્સ્ટાગ્રામે ભારત માટે નીતિમાં બદલાવ કર્યો

નવી દિલ્હી, તા. 17 : બાળકોના જાતીય શોષણ સાથે સંકળાયેલી સામગ્રીનો પ્રચાર કરતી જાહેરાતોને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવવા આઈટી મંત્રાલયે નિર્દેશ આપ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે ભારતમાં તેની કન્ટેન્ટ ભલામણ પ્રણાલીમાં ફેરફારો કર્યા છે. હવે વપરાશકર્તાઓને આ પ્લેટફોર્મ પર અશ્લીલ અથવા હિંસક પોસ્ટ્સ ઓછી જોવા મળશે.  એક મીડિયા હેવાલ મુજબ, કંપનીએ નવા અને સુધારેલા એઆઈ મોડલ્સ અમલમાં મૂક્યા છે. આ મોડલ્સ વાંધાજનક સામગ્રીને ઓળખી કાઢશે અને તે વપરાશકર્તાઓ સુધી પહોંચે તે પહેલાં જ તેને ભલામણોમાંથી દૂર કરી દેશે. નવી સિસ્ટમ હેઠળ, એઆઈ મોડેલો હવે વપરાશકર્તાઓની ફરિયાદો વિના પોસ્ટ્સની સમીક્ષા કરશે. આ ફેરફાર રીલ્સ, `એક્સપ્લોર' વિભાગ અને ફીડમાં દેખાતી પોસ્ટ્સ પર લાગુ થશે. ખાસ કરીને તે એકાઉન્ટ્સમાંથી જે વપરાશકર્તાઓ અનુસરતા નથી. સરકારે ગત 10 ઓક્ટોબરે મેટાને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઉપયોગમાં લેવાતી ભલામણ સિસ્ટમ્સ અને અલ્ગોરિધમ્સની સમીક્ષા કરવા સલાહ આપી હતી. ઇન્સ્ટાગ્રામે યુવા વપરાશકર્તાઓ માટે `ટીન એકાઉન્ટ્સ' રજૂ કર્યા છે, જેમાં `13+' કન્ટેન્ટ સાટિંગ હેઠળ, પોસ્ટ્સ વપરાશકર્તાની ઉંમરના આધારે દર્શાવવામાં આવે છે અને વધારાના સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવે છે. મેટાનું કહેવું છે કે, તે વપરાશકર્તાઓના પ્રતિસાદના આધારે પોતાની એઆઈ સિસ્ટમમાં સતત સુધારો કરતું રહેશે. નોંધનીય છે કે, સરકારે અગાઉ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની મૂળ કંપની મેટાને ઇન્સ્ટાગ્રામ પરની એવી જાહેરાતો અંગે નોટિસ મોકલી હતી, જેમાં બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રીનો પ્રચાર કરવામાં આવતો હતો. કંપનીને 7 દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એક તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે ઇન્સ્ટાગ્રામ ભારતમાં એવી જાહેરાતો દર્શાવી રહ્યું હતું જે બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી હતી. આ પહેલાં 1લી જુલાઈએ સરકારે વોટ્સએપ પરના `યુઝરનેમ' ફીચર અંગે મેટાને એક નોટિસ જારી કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd