• બુધવાર, 18 નવેમ્બર, 2026

ભુજના કૃષ્ણાજી પુલનું કામ હવે આર એન્ડ બી કરાવશે

ધારાસભ્ય કેશુભાઇ પટેલની ઉચ્ચ કક્ષાએ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ ભુજનો પાણી જથ્થો વધારવાની માંગને પણ સફળતા

ભુજ, તા. 17 : છેલ્લા ચાર વર્ષથી ભુજના કૃષ્ણાજી પુલનું કામ ટલ્લે ચડયું છે. નગરપાલિકા દ્વારા કામના ટેન્ડરના પ્રયાસોને સફળતા ન મળતાં અંતે ધારાસભ્ય કેશુભાઇ પટેલે ઉચ્ચ કક્ષાએ પુલનું કામ આર એન્ડ બીને સોંપાય તેવી રજૂઆત કરતાં તેને હકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. ઉપરાંત ભુજનો પાણીનો જથ્થો વધારવા માટેના પ્રયાસને પણ સફળતા સાંપડી છે. આગામી ટૂંક સમયમાં ઉપરોકત બંને પ્રકલ્પો આગળ ધપશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી. આ અંગે ધારાસભ્ય કેશુભાઇ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ચાર વર્ષથી કૃષ્ણાજી પુલને નવા બનાવવાનું કામ અટક્યું છે. આ બાબતે શ્રી પટેલે સીએમઓના ડી.કે. પારેખને મળી વાત કરતાં તેમણે રાજ્યના ઓ.એસ.ડી. આશુતોષ મિત્રીને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી કૃષ્ણાજી પુલનું કામ આર એન્ડ બી સ્ટેટને સોંપપવા જણાવ્યું હતું. જેથી આગામી દિવસોમાં ટેન્ડરની પ્રક્રિયાથી માંડી પુલ તૈયાર થાય ત્યાં સુધીની તમામ જવાબદારી આર એન્ડ બી સંભાળશે. આ હકારાત્મક પ્રતિષાદને પગલે લાંબા સમયથી ગૂંચવાયેલો કૃષ્ણાજી પુલનો પ્રશ્ન હલ થશે. આ ઉપરાંત શ્રી પટેલે પાણી પૂરવઠાના કમિશ્નર શ્રી ભગદેવ સાથે બેઠક કરી ભુજની પાણીની સ્થિતિથી વાકેફ કર્યા જેમાં ભૂકંપ બાદ નવી અનેક કોલોનીઓ અસ્તિત્વમાં આવી પણ લાઈનો હજૂ જૂની જ છે. જો પાણીનો જથ્થો વધે તો જોડાણો વધારી શકાય તેવી વિગતો સાથે વાકેફ કર્યા. જેની ટપ્પરથી લેર ડેમ સુધી પાઈપલાઈન પાણી પૂરવઠા વિભાગ લઈ આવશે. પણ લેર ડેમથી ભુજ સુધી પાઈપલાઈન, મોટર પંપ વિ. માટે શહેરી વિકાસ મંત્રીને જણાવવા કહ્યું. જેથી શ્રી પટેલે મંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળી ઉપરોક્ત બાબતે વાકેફ કર્યા અને શ્રી દેસાઈએ જીયુડીસીના સચિવ રેમ્યા મોહનને શ્રી પટેલની રજૂઆત પૂર્ણ કરવા જણાવ્યું. જેની ટૂંક સમયમાં ભુજનો પાણીનો પ્રશ્ન પણ હલ થશે તેવું શ્રી પટેલે જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd