પ્રદેશ સરપંચ સંગઠને આપ્યું આવેદનપત્ર
ગાંધીધામ, તા. 17 : પંચાયતીરાજ વ્યવસ્થાને વધુ સક્ષમ, સ્વાયત અને પારદર્શક બનાવવા અને ગ્રામ્ય સ્તરે લોકશાહીના વિકેન્દ્રીકરણની ધરાવતી
બંધારણીય ભાવનાનું અસરકારક અમલીકરણ થાય તે હેતુથી ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠન દ્વારા
કન્સલટેટિવ કમિટી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. કમિટીના અધ્યક્ષ અને સભ્યોને
પાઠવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે વર્તમાન વહીવટી વ્યવસ્થામાં ગ્રામ પંચાયતો અને ચૂંટાયેલા
સરપંચોને વહીવટી નાણાકીય અને કાર્યકારી સત્તાઓના ઉપયોગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો
પડે છે. સરપંચ સંગઠન વતી ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતોને કાયદા અનુસાર સ્થાનિક કરવેરા અને ફીની વસૂલાત માટે સત્તા આપવા,
ગ્રામ પંચાયતોને પોતાની આવક વધારવા માટે વ્યવહારુ નિતિ તૈયાર કરવા,
પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટ અને અનુદાન સમયસર ફાળવવા, વિકાસકામો કરવા માટે નાણાકીય સ્વાયતા નક્કી કરવા મુદ્દે રજૂઆત કરી હતી. આ ઉપરાંત
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા વડા તરીકે સરંપચની ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટ કરવા,
ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટની સમયસર ફાળવણી કરવી, સરપંચોની રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ કરવા, વિકાસકામોમાં
નિર્ણય પ્રક્રિયાનું સરણીકરણ કરવા, રાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજ
સમીક્ષા સમિતિની રચના કરવા, સરપંચ સંગઠનો સાથે કાયમી પરામર્શ
વ્યવસ્થા ઊભી કરવા મુદ્દે પણ રજૂઆતો કરાઈ હતી.
વિશ્વ ધરોહરની સમસ્યાઓ મુદ્દે સમિતિ સમક્ષ કરાઈ
રજૂઆત
ગાંધીધામ, તા. 17 : પંચાયતીરાજ મંત્રાલયની સમિતિની
આજે ધોળાવીરા ખાતે યોજાયેલી બેઠક દરમ્યાન વિશ્વ ધરોહરને સતાવતી સમસ્યાઓ મુદ્દે વિસ્તૃતમાં
રજૂઆત કરાઈ હતી. ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.
તેમણે મ્યુઝિયમ માટે વહીવટી તંત્ર દ્વારા જમીન
ફાળવાઈ,
પરંતુ મ્યુઝિયમના નિર્માણની દિશામાં હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. જો
મ્યુઝિયમ બને, તો પ્રવાસીઓ અને સંશોધકો વધુ આ સ્થળ તરફ આકર્ષાશે તેવું કહ્યું હતું. આ ઉપરાંત પાણી, લાઈટ, સફાઈ, વીજળીની ઘટ,
બેન્ક, મોબાઈલ નેટવર્ક સહિતની સમસ્યાઓ મુદ્દે પણ
સમિતિનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.