• બુધવાર, 18 નવેમ્બર, 2026

મુંદરામાં કિશોરે અને બાયઠમાં યુવા પરિણીતાએ ફાંસો ખાઈ જીવ દીધા

ભુજમાં બે શખ્સના અકાળે મોત

ભુજ, તા. 16 : મુંદરાના 17 વર્ષના કિશોર એવા લક્ષ્મણસિંહ કરણસિંહ સોઢા અને માંડવીના બાયઠ ખાતે 22 વર્ષીય યુવા પરિણીતા અકસા સાહિલ માંજોઠીએ ગળે ફાંસો ખાઈ જીવ દીધા હતા, જ્યારે ભુજમાં 46 વર્ષીય લક્ષ્મણકુમાર ધનીરામ શર્મા અને 48 વર્ષના અબ્દુલશકુર જકરિયા સમેજાના અકાળે મોત નીપજ્યા છે. ન્યૂ મુંદરાના લેબર કોલોનીમાં રહેતા કિશોર વયના લક્ષ્મણસિંહ સોઢાએ ગઈકાલે તા. 15/11ના બપોરથી રાત દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં મૃત્યુ પામ્યાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

બીજી તરફ બાયઠમાં રહેતી યુવા પરિણીતા અકસા માંજોઠીએ પણ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે તા. 15/11ના બપોરે પોતાના ઘરે આવેલા રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવ દીધાની વિગતો ગઢશીશા પોલીસ મથકે તેના પતિ સાહિલે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે, જાહેર થયેલી વિગતો મુજબ કોવઈનગરમાં ગાય રાખવાના ઓરડામાં રહી ગાયોની દેખભાળ કરતા લક્ષ્મણકુમાર શર્મા ગઈકાલે ત્યાં બેભાન થતાં જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત પણ આજે ભીડ નાકા સિઝન સ્ટોરની બાજુમાં અબ્દુલશકુર સમેજા બેભાન મળી આવતાં તેમને પણ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. બન્ને બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd