ભુજ, તા. 12 : વરસાદ ખેંચાતાં અને મોંઘવારીને
લઈ થોડા દિવસોથી કચ્છમાં ચોરી અને લૂંટના બનાવ વધ્યા છે, ત્યારે આવા ચોરોના ત્રાસ થકી મંજલ વાડીવિસ્તારમાં
35 વર્ષીય શ્રમિક કિરણભાઈ દિનેશભાઈ
નાયકે જીવ ગુમાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. આ ચોંકાવનારી અને કરુણાંતિકા સર્જનારી
ઘટના અંગે ગઈકાલે નખત્રાણા પોલીસ મથકે, મૃતક કિરણભાઈના પત્ની રવિતાબેને નોંધાવેલી ફરિયાદ
મુજબ તેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના છે અને છેલ્લાં પાંચ વર્ષથી પતિ અને બાળકો સાથે દેશલપર
(વાંઢાય)ના પરેશ ચંદુલાલ માલાણીની મંજલ સીમમાં આવેલી વાડીએ રહી બન્ને ખેતમજૂરી કરે
છે. ફરિયાદમાં બનાવની વિગતો વર્ણવતાં જણાવ્યું છે કે, ગત તા.
10/9ના વાડીએ પાણીની મોટર ખરાબ
થઈ ગઈ હોવાથી વાડીમાલિકે પાણી મોટર અને કેબલ વાયર બહાર કઢાવ્યા હતા અને ફરિયાદીના પતિ
કિરણભાઈને કેબલ વાયર ચોરી ન થાય જેથી બોર પાસે સૂવા કહ્યું હતું, આથી ફરિયાદી રવિતાબેન અને પતિ કિરણભાઈ ખાટલો
ઢાળી બોર પાસે સૂવા ગયા હતા. - અડધી રાતે બે ચોર ત્રાટક્યા : અડધી રાતે બે વાગ્યા આસ-પાસ કોઈ વાતો કરતું
હોય તેવો અવાજ ફરિયાદી રવિતાબેનને સંભળાતાં ખાટલામાં જ સૂતેલા પતિને જગાડયા હતા. પતિ
કિરણભાઈ જાગીને કોણ છે કહી બેટરી ચાલુ કરતાં એક માણસ દૂર ભાગી ગયો અને બીજો ત્યાં જ
ઊભો રહ્યો, જેના હાથમાં નાની કુહાડી
હતી, જે થોડો જાડો હતો. - કચ્છી ભાષામાં પાછો બોલાવ્યો : જે માણસ ભાગી
ગયો હતો તેને કચ્છી ભાષામાં પાછા બોલાવી બન્ને કચ્છીમાં વાતો કરતા હતા અને અમને પૂછ્યું
વાડીમાં કોણ કોણ છે ? જેથી કિરણભાઈએ
કહ્યું, બે જણ છીએ. આથી બન્ને ખાટલા પાસે આવી જાડિયાએ પતિ કિરણભાઈને
ધમકી આપી કહ્યું કે, કેબલ વાયર પર કેમ ખાટલા ઢાળી સૂતા છો,
તમને મારી નાખશું. પતિએ કહ્યું, અમને મારશો નહીં,
નહીં મારીએ પણ ખાટલો લઈલો. - ઊંધી કુહાડીના હુમલા બાદ ત્રણે ભાગ્યા : પતિએ પત્નીને
ભાગવાનું કહેતાં પત્ની ભાગવાની તૈયારીમાં જ હતી અને જાડિયા માણસે ઊંધી કુહાડી પતિ કિરણભાઈને
છાતીના ભાગે મારી, જેથી પતિએ
બૂમાબૂમ કરતાં પત્ની ઓરડી તરફ જઈ દીકરાને લઈ ભાગી, પતિ પણ તેમનાથી
છૂટી ત્રણે એકસાથે ભાગ્યા. અડધો કિ.મી. ભાગી ભાણેજની વાડીએ પહોંચ્યા, પણ... ભાગતાં-ભાગતાં ત્રણ જણ દેશલપર-નલિયા હાઈ-વે પર ભેગા થઈ તેમના ભાણેજ રણજિત
નાયકાની વાડીએ પહોંચી રણજિતને વિગતો જણાવીને વાડીમાલિકને ફોન કર્યો હતો. દીકરો વિષ્ણુ
વાડીમાલિકથી વાત કરતો હતો, ત્યારે જ પતિ કિરણભાઈ ખાટલા પરથી નીચે
પડી ગયા હતા. રણજિતે પાણી પીવડાવતાં પાણી થૂંકી દીધા બાદ બોલવાનું બંધ કરી આંખો મીંચી
લીધી હતી. વાડીમાલિક અને તેના ભાઈ ત્યાં આવી મંગવાણા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. રસ્તામાં
રવિતાબેને માલિકને સમગ્ર વાત વર્ણવી હતી. બાદમાં પરેશભાઈએ કહ્યું કે, આ લોકો રાત્રે વાડીમાંથી 250 ફૂટ કેબલ લઈ ગયા છે. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
હતા. લાશને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોસ્ટમોર્ટમ કરાવવા અર્થે જામનગર લઈ જવાઈ
હતી. - પોસ્ટમોર્ટમમાં હૃદયરોગના હુમલાથી
મોતનું તારણ : આ બનાવ અંગે આજે તપાસકર્તા નખત્રાણાના પીઆઈ
એ. એમ. પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે,
કિરણભાઈનું મોત હૃદયરોગના હુમલા થકી થયાનું પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં
સામે આવ્યું છે. કુહાડીના ઈજાના નિશાન સામે આવ્યા નથી. સમગ્ર બનાવ અંગે અલગ-અલગ દિશામાં
તપાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.