ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર આઈસર ગાડીની અડફેટે ચડેલા રાહદારી અમરતભાઈ હરજીભાઈ
ચૌધરી (જાટ)નું મૃત્યુ થયું હતું. રાપર તાલુકાના મોડા પાસે ડમ્પરની ટક્કરથી ઈજાગ્રસ્ત
થયેલા લૂના બાઈકચાલક સવજીભાઈ પૂજાભાઈ વાવિયા
(ઉ.વ. 62)એ આંખો મીંચી લેતાં ગમગીની
પ્રસરી હતી. એ.વી. જોષી પુલિયા પાસે આજે સાંજે 5.30 વાગ્યાના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોએ
વિગતો આપતાં જણાવ્યું હતું કે, આઈસર
ગાડી જીજે-12-બી-1132ના ચાલકે બનાવ સ્થળે રસ્તો ઓળંગી રહેલા અમરતભાઈને ટક્કર મારી
હતી, જેમાં તેમને શરીરના જુદા-જુદા ભાગે ગંભીર પ્રકારની ઈજા થતાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ અંગે મૃતકના
ભાઈ નીંબારામ હરજીભાઈ ચૌધરી (જાટ)ની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માર્ગ
અકસ્માતનો વધુ એક બનાવ મોડા વિસ્તારમાં બન્યો
હતો. મૃતક સવજીભાઈ પોતાના લુના બાઈક જીજે-12-ડીસી-6300 લઈને ખેતરથી પોતાના ઘર તરફ આવતા હતા. તે દરમ્યાન તા. 7/9ના 4.30 વાગ્યાના
અરસામાં ડમ્પર નં. જીજે-24-ઝેડ-2888ના ચાલકે તેમને ટક્કર
મારી હતી, જેમાં તેમને માથાના ભાગે તથા શરીરના જુદા-જુદા
ભાગે પ્રાણઘાતક ઈજા પહોંચી હતી. આ અંગે મૃતકના પુત્ર દિનેશભાઈ સવજીભાઈ વાવિયા (પટેલ)એ અકસ્માત કરનાર
વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.