• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

સાંઘીપુરમમાં તસ્કરોનો આતંક : 2.50 લાખની ચોરી

ગાંધીધામ, તા. 11 : અબડાસા તાલુકાના સાંઘીપુરમમાં સાંઘી સિમેન્ટ કંપનીની વસાહતમાં આવેલા ત્રણ ક્વાર્ટરના નકૂચા તોડી, કાપી નિશાચરોએ રૂા. 2,50,000ની મતાનો હાથ માર્યો હતો. સાંઘીપુરમ ટાઉનશિપમાં ડી-159માં રહેનાર મૂળ અંજાર-આદિપુર રોડ ગ્રીન લેન્ડ સોસાયટીમાં રહેતા મહેશગિરિ બાબુગિરિ ગોસ્વામીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંઘી સિમેન્ટ કંપનીમાં વીજ વિભાગમાં સહાયક મેનેજર તરીકે 30 વર્ષથી નોકરી કરતા આ આધેડની દીકરીની તબિયત ખરાબ થતાં તે તા. 8/9ના બપોરના અરસામાં ભુજ ખાતે દવા લેવા નીકળ્યા હતા. ફરિયાદી પરિવાર સાથે ભુજ હતા. તેમની દીકરીની સારવાર ચાલુ હતી, ત્યારે તા. 10/9ના પાડોશી મહિલાએ ફરિયાદીના પતિને ફોન કરી ભાઇ ઘરે આવી ગયા હોય તો જમવાનું અમારા ઘરે બનાવું, પરંતુ ફરિયાદી સાંઘી નહીં ભુજ હોવાનું કહેતાં પાડોશીએ તમારા ઘરના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન ફરિયાદી સાંઘીપુરમ પહોંચતાં નિશાચરોએ તેમના ક્વાર્ટરના દરવાજાના નકૂચા કાપી અંદર ઘૂસી અંદર તિજોરી પણ તોડી હતી. સરસામાન વેરવિખેર કરી તિજોરીમાંથી સાડા ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર, સવા તોલાની સોનાની બુટ્ટી, 3 ગ્રામના સોનાના બુટિયા, એક ગ્રામનું સોનાનું પેન્ડલ, 100 ગ્રામનો ચાંદીનો સિક્કો20 ગ્રામના ત્રણ, પાંચ ગ્રામના 3 સિક્કા65 ગ્રામના ઝાંઝર, રોકડ રૂા. 40,000ની મતાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. ઇ-બ્લોકમાં ક્વાર્ટર નંબર-7માં રહેતા અકબરઅલી મહોમદ ગુલજારને ત્યાં પણ નકૂચા તોડી એક તોલાની સોનાની ચેન, રોકડ રૂા. 10,000, પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે તફડાવી ગયા હતા તેમજ પાંચ દિવસથી રજામાં તથા ડી-બ્લોકના રૂમ નંબર 142માં રહેનાર પ્રશાંત ભાલજી શ્રીમાળીને ત્યાં પણ નિશાચરોએ હાથ માર્યો હતો, પરંતુ આ કર્મચારી રજામાં હોવાથી તેમને ત્યાંથી કેટલી મતાની ચોરી થઇ તે બહાર આવ્યું નહોતું. સિક્યુરિટીથી સુરક્ષાબદ્ધ આ સોસાયટીમાં ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. આ અછત, નહીંવત વરસાદની અસર છે અથવા આ ત્રણેય ક્વાર્ટર બંધ હોવાનું જાણતાં જાણભેદુનો હાથ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેમજ ચોરીનો આંકડો પણ મોટો હોવાનું ઉમેરાયું હતું. આ ચકચારી બનાવ અંગે વાયોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd