• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

સામખિયાળીમાં વકીલનાં ઘરમાંથી 5.64 લાખની તસ્કરી

ગાંધીધામ/ભુજ, તા. 20 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં વકીલના ઘરમાં ઘૂસી કબાટનું તાળું તોડયા વગર તસ્કરોએ રૂા. 5,64,435ના દાગીના, રોકડ રકમની તસ્કરી કરી હતી. બીજીતરફ ભુજ સમીપેના માધાપરના બંધ મકાનનાં તાળાં તોડી તિજોરીમાંથી રૂા. 1,99,500ના સોનાં-ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળીના શાંતિધામ વિસ્તાર ગાયત્રી કોમ્પ્લેક્ષની સામે રહી ભચાઉમાં રેવેન્યૂ વકીલાતની પ્રેક્ટિસ કરતા નરેશ અજાભાઈ ચૌહાણે બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાનના ઘરે કબાટમાં તેમના પત્ની ઈલાબેન, ભાભી વિજયાબેન, માતા ભચીબેનના દાગીના રાખેલા હતા. ગત તા. 27/5ના તેમના પત્ની અંજાર ખાતે વાસ્તુ પ્રસંગમાં જતાં મંગલસૂત્ર કાઢીને પહેર્યું હતું. બાદમાં ત્યાંથી પરત આવી મંગળસૂત્ર કબાટમાં મૂકી ચાવી પોતાની પાસે રાખી હતી. ફરિયાદીના પત્નીએ તા. 18/6ના પિયર જવાનું કબાટ ખોલતાં તેમાંથી પાંચ દાગીના તથા રોકડ રકમ ગુમ જણાઈ હતી. ઘરના કે કોઈ અજાણ્યા શખ્સે કબાટ ખોલી તેમાંથી સાડા ત્રણ તોલાનો સોનાનો હાર, આઠ ગ્રામની સોનાની બુટી, દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર, બે ગ્રામની સોનાની વીંટી, 100 ગ્રામનો ચાંદીનો કેડ ઝૂડો તથા રોકડ રૂા. 10,000 એમ કુલ રૂા. 5,64,435ની મતાની ચોરી કરી હતી. કબાટ તૂટેલું ન હોવાથી ફરિયાદી અને કુટુંબીજનોએ બે મહિના સુધી ચોરી કોણે કરી હશે તેની તપાસ કરી હતી, પરંતુ કોઈ જ પત્તો ન મળતાં અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ ઉપરાંત ગઈકાલે માધાપર પોલીસ મથકે માધાપરના જૂનાવાસમાં સનરાઈઝ સોસાયટીમાં રહેતા વેપારી દીપકકુમાર શંકરલાલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 8/8ના તે તથા તેના પત્ની ઘર બંધ કરી બહારગામ ભાભર અને ત્યાંથી મહારાષ્ટ્ર ગયા હતા. ગત તા. 13/8ના સોસાયટીમાં જ રહેતા તેમના ભાગીદાર સુરેશભાઈનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તમારા ઘરમાં ચોરી થઈ છે. આથી ફરિયાદીએ તેમના ભાઈ અનિલને આ બાબતે જાણ કરતાં અનિલ ફરિયાદીના મકાને જતાં મુખ્ય દરવાજા તથા મકાનના ઉપરના માળના રૂમના તાળાં તૂટેલાં હતાં. 18/8ના ફરિયાદી ઘરે આવતાં સામાન વેરવિખેર હતો અને તિજોરી ખૂલી પડી હતી. અજાણ્યા ચોર ઈસમ તિજોરીમાંથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર કિં.રૂા. એક લાખ, એક તોલાની સોનીની ચેઈન કિં.રૂા. 50,000, કાનની બૂટી-ઝુમખા નંગ -8 વજન પોણા તોલા કિં.રૂા. 37,5000 અને ચાંદીની પાયલ બે જોડી તથા ચાંદીના સાત સિક્કા કિં.રૂા. 7000 એમ કુલ્લે રૂા. 1,99,500ના સોનાં-ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

Panchang

dd