ભુજ, તા. 1 : થોડા દિવસ પૂર્વે ગાંધીધામ કેસર આર્કેડ ખાતે
ઇનાયત કાર્ગો કેરિયર નામની કંપની ચલાવતા વેપારી સાથે કાર્ગો લોડિંગ-અનલોડિંગ અને સ્ટિવડોરિંગના
અઢી વર્ષ પૂર્વેના કામ પેટે નીકળતા રૂા. 50.83 લાખ ન ચૂકવી છેતરપિંડીનો ગુનો મુંદરાના ઇમરાન સલીમ જત વિરુદ્ધ નોંધાયો હતો
અને ધરપકડ થઇ હતી. આ ચકચારી બનાવમાં આરોપી ઇમરાનના જામીન મંજૂર થયા છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ખારીરોહરના હાજી યાકુબ
જંગિયાએ ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે ઇમરાન વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી ઇમરાનની અટક બાદ
તેના રિમાન્ડ મંજૂર થયા હતા. આરોપીએ જામીન અરજી કરતા નીચેની કોર્ટે જામીન નામંજૂર કરતા
ઉપલી કોર્ટ ગાંધીધામના છઠ્ઠા અધિક સેશન્સ જજ સમક્ષ જામીનની અરજી કરાઇ હતી. આરોપી વતી
વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી અને જી.એસ. શેખે દલીલ કરી હતી. અઢી વર્ષ જૂના લેણાં
અંગે ખરેખર લેણાંનો દાવો સિવિલ કોર્ટમાં કરાય, પરંતુ કોઇ પણ જાતની
નોટિસ આપ્યા વિના છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ તેમજ ખરેખર લેતી-દેતી વિશાલ ટ્રેડિંગ
સાથેની છે જેમાં આરોપીને કોઇ નિસબત ન હોવાની દલીલો કરાઇ હતી. કોર્ટે આરોપીના જામીન
મંજૂર કર્યા હતા. - લુણી
જમીન કેસમાં આગોતરા નામંજૂર : મુંદરાના લુણી ગામે કરોડોની કિંમતની ખેતીની
જમીનના બોગસ સાટાકરાર બનાવી અન્યને વેચી કાઢવાની પેરવીના કેસમાં મુખ્ય આરોપી નીતિન
ઉમરશીભાઈ ભાનુશાલીની આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. મુંબઈ સ્થાયી
66 વર્ષીય ફરિયાદી પ્રફુલ્લ નરશી શાહે 22 મે-2026ના મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, લુણીમાં તેમના ભાઈ તથા ભત્રીજાની
સંયુક્ત માલિકીની વિવિધ સર્વે નંબરોની જમીન વેચાણ માટે સંપર્ક કર્યો હતો. રૂા. 17.42 કરોડમાં સોદો નક્કી થયા બાદ 15 ડિસેમ્બર-2025ના નીતિન ભાનુશાલી, હિમાંશુ મકવાણા અને યોગેશ આયડી
મુંબઈ પહોંચ્યા હતા અને રૂા. 12 લાખ ટોકન આપીને સાટાકરાર કરાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ
બાદમાં ટુકડે-ટુકડે રૂા. 55 લાખ
વધુ ચૂકવાયા હતા,
જ્યારે ત્રણ ચેક બાઉન્સ થયા હતા. આરોપીઓએ સાટા કરારના બે પાનાં બદલી
અન્ય પક્ષકારો સાથે ઓછા ભાવે કરાર કર્યા અને મુંદરા કોર્ટમાં દિવાની દાવો દાખલ કર્યો
હતો. છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધે નીતિન ભાનુશાલીની આગોતરા જામીન અરજી નામંજૂર
કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા મૂળ ફરિયાદી તરફે
એડવોકેટ કુલદીપ મહેતા, કૈલાસદાન ગઢવી અને હરદાસ ગીલવા હાજર રહ્યા
હતા.