• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ચુડવામાં તેલચોરી કરવા ખાડો ખોદનારા-સૂત્રધારોની ધરપકડ

ગાંધીધામ, તા. 8 : ચુડવાની સીમમાં ખેતર ભાડે લઇ નીચેથી પસાર થતી આઇ.ઓ.સી.એલ.ની લાઇનમાંથી ઓઇલ ચોરી કરવાના ઇરાદે ખાડો ખોદાયો હતો. આ પ્રકરણમાં પોલીસે દોડધામ આદરીને ટોળકીના સાત શખ્સને પકડી પાડયા હતા. ચુડવા સીમમાં આવેલા એક ખેતરમાં જ્યાં નીચેથી આઇ.ઓ.સી.એલ.ની પાઇપલાઇન પસાર થાય છે, ત્યાં ખાડો ખોદાતાં એલાર્મ વાગતાં કંપનીના સુરક્ષાકર્મીઓ અહીં દોડી આવ્યા હતા. દરમ્યાન, ખાડો ખોદતા શખ્સો સામાન મૂકીને ત્યાંથી નાસ્યા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અહીંથી હથોડી, પાવડા, ત્રિકમ, તગારા, છીણી, તાડપત્રી વગેરે જપ્ત કર્યું હતું અને આરોપીઓને પકડી પાડવા ટેકનિકલ એનાલિસીસ, હ્યુમન સોર્સ, સી.સી.ટી.વી. ફૂટેજ વગેરેની મદદથી તપાસ આગળ ધપાવી હતી અને બે શખ્સને ગાંધીનગરના સાદરા, એકને પાટણ તથા ચારને અહીંથી પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં અનવર હુસેન યાકુબમિયા શેખ, તેના દીકરા મહમદ રફીક અનવર હુસેન શેખ, સલીમ અનવર શેખ તથા કપિલદેવસિંઘ રામતનસિંઘ રાજપૂત (મેઘપર બોરીચી), સામજી ધમા જરૂ (રહે. ડી.સી. 5-આદિપુર), ચકા દુબળા રાઠોડ (રહે. સુંદરપુરી), રાહુલ શંકર નિનામા (રહે. સુંદરપુરી)ની ધરપકડ કરી હતી. એકાદ મહિના પહેલાં અનવર અને કપિલ મળ્યા હતા. અગાઉ કામ કરનારા આ શખ્સોએ યોજના ઘડી કાઢી હતી અને ચુડવાની સીમમાં મહમદ રફીકના નામે ખેતર ભાડે લેવાયું હતું. ત્યાં બતાવવા માટે ખેતરનું ખેડાણ પણ કરાયું હતું. સામજી અને કપિલે સાધનો પૂરા પાડયા હતા અને ચકા તથા રાહુલ નામના મજૂરો પાસેથી ખાડો કરાવ્યો હતો. પકડાયેલા અનવર સામે અગાઉ સુરેન્દ્રનગરમાં લાઇન તોડી ડીઝલ ચોરીનો ગુનો 2015માં નોંધાયો હતો. સલીમ સામે દારૂ-જુગારના સાત ગુના પાટણમાં નોંધાયેલા છે. રફીક સામે ગાંધીનગરમાં વરલી મટકાનો કેસ છે. આ પ્રકરણમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd