• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ભાનાડા પાસે બલ્કર ટકરાતાં લાગી આગ : બન્ને ચાલક ભડથું

ભુજ, તા. 2 : અબડાસા તાલુકાના ભાનાડા પાસે આજે મોડી સાંજે કેમિકલ્સના બે બલ્કર ટરકાતાં બન્ને વાહનમાં ભીષણ આગ લાગતાં બન્ને ચાલક મંધરા ઉસ્માનગની આધમ (રહે. ધુફી, તા. અબડાસા) અને અબ્દુલ સતાર હજામ (રહે. અમરગઢ-નિરોણા, તા. નખત્રાણા) ભડથું થયાના દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે. આ અકસ્માત અંગે અમારા કોઠારાના પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આજે મોડી સાંજે 7:30 વાગ્યાના અરસામાં ભાનાડા માર્ગે કેમિકલ્સ પ્રવાહીના બે બલ્કર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતનાં પગલે જોત-જોતાંમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગની જ્વાળાઓ પ્રચંડ બની હતી. આથી આસપાસના લોકો તથા રાહદારીઓનાં ટોળાં ઊમટયાં હતાં અને પોતાના મોબાઈલમાં વીડિયો-ફોટા કાઢતા દેખાયા હતા. આ અકસ્માત બાદ બન્ને વાહનમાં લાગેલી આગને બુઝાવવા નલિયા એરફોર્સના અગ્નિશમન દળે પ્રયાસો આદરતાં દોઢથી બે કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બન્ને વાહનની કેબીનમાંથી ચાલકોને આગમાં ભૂંજાયાની સ્થિતિમાં મૃત હાલતમાં બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલવા તજવીજ આદરાઈ છે. બન્ને વાહન આગની ચપેટમાં આવતાં માર્ગની વચ્ચોવચ્ચ હોવાથી બન્ને બાજુનો માર્ગ અવરોધાતાં દોઢથી બે કલાક ટ્રાફિકજામ રહ્યો હતો અને રાત સુધી પોલીસ ટ્રાફિક નિયમનમાં પરોવાઈ હતી. 

Panchang

dd