ભુજ, તા. 22 : મહત્ત્વના અને નિર્ણાયક તબક્કે
પહોચેલા જે તે સમયના ભારે ચર્ચાસ્પદ એવા મુંદરા કસ્ટોડીયલ ડેથ કેસમાં કેસની તપાસ કરનારા
અધિકારીની ફરીથી ઉલટતપાસ કરવા માટે આરોપી દ્વારા કરવામાં આવેલી માગણી અત્રેની અધિક
જિલ્લા અદાલતે વિગતવારના કારણો સાથે નામંજૂર કરી હતી. કેસને લંબાવવાના હેતુસર આ અરજી
કરાયાનું તારણ કેન્દ્રમાં રાખીને આ ચૂકાદો આપતાં અદાલતે અરજીકર્તા આરોપી ફરજમૌકૂફ પોલીસ
કર્મચારી અશોક લીલાધર કન્નાદને 10 હજાર રૂપિયાનો
દંડ પણ ફટકાર્યો હતો. આ કેસની તપાસ કરનારા તત્કાલિન નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની
બાર મહિના બાદ ફરીથી ઉલટતપાસ કરવાની માગણી કરતી અરજી અશોક કન્નાદ દ્વારા કરાઈ હતી.
બન્ને પક્ષને સાંભળીને અધિક જિલ્લા કોર્ટના ન્યાયાધીશે આ માગણી નામંજૂર કરતો આદેશ કર્યો
હતો. વધુ ઉલટતપાસ અને રિકોલની આ માગણી કેસને લંબાણે પાડવાના આશયસર હોવાનું તારણ આપવા
સાથે ન્યાયાધીશે અરજદારને 10 હજાર રૂપિયાના
દંડની સજા કરી હતી. દંડની આ રકમ એક અઠવાડિયામાં જિલ્લા સેવા કાનુની સત્તા મંડળ સમક્ષ
જમા કરાવવાનો આદેશ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જે તે સમયે કચ્છ સહિત સમગ્ર દેશમાં
જેના પડધા પડયા હતા તેવા આ કેસની સુનાવણી અત્રેની કોર્ટમાં છેલ્લાં પાંચ વર્ષથી ચાલી
રહી છે. સુનાવણી દરમ્યાન પ્રોક્સિક્યૂશનનો પુરાવો 2025માં લેવાઈ ગયો છે. છેલ્લા એક વર્ષથી કેસ દલીલ ઉપર છે. અત્યાર
સુધી 33 સાક્ષી પણ તપાસાઈ ચૂકવા સાથે પ્રકરણ અત્યારે નિર્ણયની નજીકના
મહત્ત્વના તબક્કે છે. ઉલટતપાસની માગણીવાળી અરજીની સુનાવણીના કેસમાં સરકાર વતી આ કેસ
માટે ખાસ નિયુક્ત સરકારી વકીલ રાજકોટના અનિલભાઈ આર. દેસાઈ હાજર રહ્યા હતા, તો ફરિયાદ
પક્ષ વતી અત્રેઁના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા,
એચ.કે. ગઢવી અને એસ.એસ. ગઢવી તથા ગઢવી ચારણ સમાજ ભુજના તમામ ધારાશાત્રીઓ હાજર રહ્યા
હતા.