• રવિવાર, 01 માર્ચ, 2026

ગાંધીધામના 182 કરોડ કૌભાંડ પ્રકરણે બેન્કના ત્રણ કર્મચારીની ધરપકડ

ગાંધીધામ, તા. 27 : શહેરમાં 182 કરોડના કૌભાંડ પ્રકરણમાં હજુ મુખ્ય બે આરોપી હાથથી છેટા છે, તેવામાં બેન્કના કર્મચારીઓ એવા ત્રણ શખ્સની અટક કરવામાં આવી હતી. આ ત્રણેયના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અગાઉ પકડાયેલા શખ્સોના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થવાના છે. પૂર્વ કચ્છના અશિક્ષિત લોકોને લાલચ આપી તેમના નામે ખોટી પેઢી ઊભી કરી બેન્ક ખાતા ખોલાવીને ખાતા સાયબર ઠગાઇ કરતા શખ્સોને સોંપી દેવાતાં અને તેની અવેજીમાં કમિશન મેળવવામાં આવતું હતું. આવા 81 બેન્ક ખાતા ખોલાવી તેમાં રૂા. 182 કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. જે પૈકી 74 જેટલા ખાતાધારક સામે જુદા-જુદા રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી. ખોટી પેઢી ઊભી કરી સોફા ભાડે લેવાતા હતા, જે સોફાઓનું ભાડૂં ન મળતાં આ કૌભાંડનો ભાંડો જે-તે વખતે ફૂટયો હતો. આ પ્રકરણમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી યશ મૂલચંદ ભાટિયાસિદ્ધાર્થ સુનીલ સોની, સાહિલ દિનેશ શર્મા, અલ્પેશ સુરેશ લુહાર નામના શખ્સોની ધરપકડ કરી હતી, જેના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે. દરમ્યાન રાપરના ઇલુભા મંગુભા જાડેજા નામના શખ્સને પણ ઝડપી લેવાયો હતો. મોટી રવનો વિશ્વરાજસિંહ ઉર્ફે વિસુભા બાલુભા જાડેજા અને મુખ્ય આરોપી વિજય રાણા નામના શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જ્યારે હાર્દિક હરેશ રાજગોર અગાઉના ગુનામાં જેલમાં છે. દરમ્યાન પકડાયેલા શખ્સોની પૂછપરછ દરમ્યાન એચ.ડી.એફ.સી. બેન્ક કાસેઝના ચંદન કપિલ પંડયા, એજન્સી મેનેજર યાસિન રમજુ સાયચા, જના બેન્ક ગાંધીધામના હિતેશ કિશન કપ્તાના નામ બહાર આવ્યા હતા તેમજ અગાઉ કામ કરી ગયેલા દીપક જેઠાલાલ શર્માનું નામ પણ જાહેર થયું હતું. આ બેન્ક કર્મીઓએ ખોટી પેઢીઓના નામે કરાર તથા સેવિંગ ખાતા ખોલવામાં મદદ કરી, આરોપીઓ પાસેથી પૈસા મેળવ્યા હતા. બેન્કના ટાર્ગેટ પૂરા કરવા આ ખાતા ખોલવાની લાલચે કમિશન મેળવી, ઇન્સેન્ટીવના લાભ લીધા હતા તેમજ પેઢીઓના નામે ઇન્વોઇસની ચકાસણી કર્યા વગર આરોપીઓએ બીજાના નામે ખોલાયેલ ખાતાઓમાં થયેલ સાયબર ક્રાઇમમાં ફરિયાદથી ફ્રીઝ થયેલા ખાતાઓ અનફ્રીઝ કરવામાં  પણ બેન્ક કર્મીઓએ મદદ કરી હતી. બેન્કના કર્મી એવા ચંદન પંડયાહિતેશ કપ્ટા, યાસિન સાયચાની પોલીસે ધરપકડ કરી તેમના તા. 3/3 સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે દીપક શર્માને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પી.આઇ. ડી.જી. પટેલ બનાવની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd