• રવિવાર, 01 માર્ચ, 2026

ભુજ : ટપાલ કચેરીમાં `બોમ્બ' મામલે અફરાતફરી

ભુજ, તા. 27 : લાંબા સમયથી વિવિધ રાજ્યમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના સિલસિલાનો રેલો શુક્રવારે ભુજ સુધી પહોંચ્યો હતો. શહેરની વડી ટપાલ કચેરીમાં `બોમ્બ'ના મામલે તકેદારીના ભાગરૂપે સઘન તપાસ હાથ ધરાઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ છવાયો હતો. અલબત્ત, આ ઘટનામાં કશું શંકાસ્પદ ન નીકળતાં તંત્ર સહિતના શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે, મોડેથી બહાર આવેલા અહેવાલમાં જાણવા મળ્યું હતું કે, કોઈ અન્ય જિલ્લાની ટપાલ કચેરીને મળેલો ઈમેઈલ ભુજમાં ફોરવર્ડ થઈ જતાં આ ઘટના સર્જાઈ હતી. બોમ્બની ધમકીનો મેઈલ મળતાં જ સ્થાનિક કચેરીના અધિકારીએ આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મામલાની ગંભીરતાને જોતાં પોલીસ તંત્રની વિવિધ ટીમો તાત્કાલિક ધસી આવી હતી અને સંકુલ ખાલી કરાવવા સાથે સઘન તપાસ હાથ ધરી હતી. સ્થળ પર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, બીડીડીએસ, ડોગસ્કોડ અને ટ્રાફિક શાખાની ટીમ પણ પહોંચી હતી અને કચેરીને કોર્ડન કરી હતી, તો સ્ટાફ તેમજ ગ્રાહકોને પણ તાત્કાલિક બહાર કાઢ્યા હતા. બોમ્બ સ્કોડે વિવિધ સાધનો વડે તથા ડોગસ્કોડની ટીમે પ્રથમ પાસપોર્ટ કચેરી અને ત્યાર બાદ ટપાલ કચેરીમાં બોમ્બની તલાશી આદરી હતી. જો કે, સઘન તપાસ બાદ કશું શંકાસ્પદ ન નીકળતાં પોલીસ તંત્રએ હાશકારો  અનુભવ્યો હતો અને બપોરના અરસામાં કચેરીના કર્મચારીઓને ફરી કામ શરૂ કરવા જણાવ્યું હતું. વાયુવેગે ફેલાયેલા અહેવાલના પગલે શહેરમાં ગભરાટ ફેલાયો હતો. પોસ્ટ કચેરી સામે પણ લોકોના ટોળાં એકત્ર થયાં હતાં, જ્યારે પોલીસે આસપાસની દુકાનો બંધ કરાવવા સાથે લોકોની ભીડને દૂર કરી હતી, તો ટ્રાફિક પોલીસે વાહનવ્યવહારને ડાયવર્ટ કરવા સહિતના તકેદારીનાં પગલાં લીધાં હતાં. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં પણ વ્યાપક માત્રામાં વાયરલ થતાં આ ઘટના દેશ-દુનિયામાં પણ ફેલાઈ હતી. બીજી તરફ સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો આ ઈમેઈલ સુરત ખાતેની પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને મળ્યો હતો, જે ખોટો સાબિત થયો હતો, પરંતુ આ ઈમેલ ભૂલથી રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો અને તેનાથી ગભરાટ ફેલાયો હતો. સુરત પાસપોર્ટ ઓફિસને સવારે 5.55 વાગ્યે એક ઈમેલ મળ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે બપોરે 12.10 વાગ્યે પરિસરમાં આરડીએક્સ વિસ્ફોટ થશે અને તેને ખાલી કરાવવું જોઈએ, એમ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વી.આર. મલ્હોત્રાએ જણાવ્યું હતું. આ ઈમેલ મૂળ સુરત પાસપોર્ટ ઓફિસના આઉટલુક આઈડી પરથી જ મળ્યો હતો, એમ નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલે જણાવ્યું હતું. `ગેરસમજને કારણે, સમગ્ર રાજ્યની પોસ્ટ ઓફિસોમાં બોમ્બ ધમકી આપતો ઈમેલ પહોંચ્યો હતો જેના કારણે ગભરાટની સ્થિતિ સર્જાઈ હતી અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ગોહિલે જણાવ્યું હતું કે નવસારી પોસ્ટ ઓફિસમાં તેની નકલ કેમ કરવામાં આવી તે જાણી શકાયું નથી, પરંતુ આ ગૂંચવણ ત્યાં જ અટકી ન હતી અને નવસારી ડિવિઝન પોસ્ટ ઓફિસે તેને અમદાવાદ પોસ્ટ ઓફિસમાં મોકલી દીધો હતો, જ્યાંથી તેને કચ્છ, વલસાડ, ગોધરા, રાજકોટ, ભાવનગર અને અન્ય જિલ્લાઓ સહિત ગુજરાતભરની પોસ્ટ ઓફિસોમાં મોકલવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક પોલીસને ચેતવણી આપવામાં આવી હતી. - -એ ઇ-મેઇલ તામિલનાડુથી મોકલવામાં આવ્યો હતો ? : ભુજ, તા. 27 : અહીંની વડી ટપાલ કચેરી, પાસપોર્ટ કેન્દ્ર અને સાથેની આર.એમ.એસ.ની ઓફિસમાં આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલને પગલે ગભરાટ ફેલાયો હતો અને એજન્સીઓએ બારેક વાગ્યે આખું સંકુલ ખાલી કરાવી વિસ્તૃત તપાસ કરી હતી અને સદ્નસીબે કંઈ વાંધાજનક વસ્તુ નહીં મળતાં દોઢેક વાગ્યે આ કચેરીઓ પુન: કાર્યરત કરાઈ હતી.  કચ્છના પોસ્ટ અધીક્ષક પ્રકાશ જગતિયાના જણાવ્યા અનુસાર અમને ઉચ્ચ કચેરીએથી સવારે લગભગ 11 વાગ્યે ઈ-મેઈલ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, 12.10 વાગ્યે ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એટલે તેની ગંભીરતાને જોતાં તરત પોલીસ સહિતની એજન્સીઓને જાણ કરવામાં આવી હતી અને બાર વાગ્યે બધી ઓફિસો ખાલી કરાવાઈ હતી. એજન્સીઓ ઉપરાંત પોસ્ટના સ્ટાફે ત્વરિત કામગીરી કરી હતી અને ખાતેદારોએ પણ યોગ્ય સહકાર આપ્યો હતો. દરમ્યાન, માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આર.ડી.એક્સ.થી ઓફિસ ઉડાવી દેવાની ધમકીનો આ ઈ-મેઈલ  તામિલનાડુથી આવ્યો હતો અને સૌપ્રથમ સુરતની પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને મળ્યો હતો, જેમાં ધમકી આપનારે પોતાને અન્યાય થયો હોવાની વાત લખી હતી. ભુજ પોસ્ટ ઓફિસમાં દોઢ વાગ્યા બાદ ધીમે ધીમે કાઉન્ટરો પાછા શરૂ થયા હતા. પોલીસ અને ગંધપારખુ શ્વાન સહિતની એજન્સીઓએ હેડ ઓફિસ ઉપરાંત આર.એમ.એસ.માં પણ ટપાલ-કવરો અને પાર્સલોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ધમકીને પગલે લગભગ દોઢથી પોણા બે કલાક સમય તપાસ ચાલી હતી, જેને પગલે મોટાપાયે નાની બચત સહિતના વ્યવહારો ખોરવાયા પણ હતા. ગુજરાતભરની પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકી સાથેનો આ ઇ-મેઇલ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને દરેક સ્થળે તપાસ કરાઇ હતી. -આપત્તિજનક સ્થિતિનો ધૈર્ય-હિંમતથી સામનો એટલે બોમ્બ ડિસ્પોઝલ ટુકડી : ભુજ, તા. 27 : શહેરની ટપાલ કચેરીમાં બોમ્બના પગલે તકેદારીના ભાગરૂપે હાથ ધરાયેલી સઘન તપાસમાં બોમ્બ સ્કોડની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. લોકોમાં ફેલાયેલી અફરાતફરીને દૂર કરવા સાથે જોખમ ખેડી આધુનિક સાધનો દ્વારા વિસ્ફોટકોની તપાસ કરતી આ ટીમની કાર્યપદ્ધતિ પણ કાબિલેદાદ હોય છે. કોઈ પણ સ્થળે બોમ્બના `થ્રેટ'ની જાણ થતાંની સાથે જ આ બીડીડીએસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે છે અને જે-તે કચેરી કે સ્થળ પર રહેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડે છે. ત્યારબાદ થ્રેટવાળા સ્થળની ગંધપારખુ શ્વાન દ્વારા તપાસ થાય છે, તે પછી બોમ્બની ગતિવિધિને ઝડપી પાડવા માટેના આધુનિક સાધનો દ્વારા એક-એક ખૂણે તલાશી લેવાય છે. આ કામગીરી દરમિયાન જો કશુંક શંકાસ્પદ મળે તો તેને ડિફ્યુઝ કરવા તજજ્ઞ ટીમ તરત જ એક્શન મોડમાં આવી જાય છે અને નહિવત્ કે ઓછામાં ઓછું નુકસાન સર્જાય તે રીતે વિસ્ફોટકોને ડિએક્ટિવેટ કરે છે, પરંતુ જો કાંઈ પણ શંકાસ્પદ ન મળે તો આ ટીમ સ્થાનિક પોલીસને ક્લિયરન્સ આપી દે છે. ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે અને જે-તે સ્થળને જોખમ રહિત ઘોષિત કરે છે. પ્રાથમિક દૃષ્ટિએ સામાન્ય લાગતી આ પ્રક્રિયા અતિશય જોખમ ભરેલી છે. 

Panchang

dd