• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંદરા : યુવાન ખરેખર `પ્રેમ'માં ડૂબ્યો

ભુજ, તા. 22 : પ્રેમમાં ગળાડૂબ પ્રેમી-પ્રેમિકાઓ માટે જિગર મુરાદાબાદીનો એક પ્રચલિત શેર છે... `યે ઇશ્ક નહીં આસાં, ઇતના હી સમજ લીજે, ઇક આગ કા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ...' બસ આવું જ કંઇક મુંદરાના સાડાઉના યુવાન સાથે થયું, તે ખરેખર `પ્રેમ'માં ડૂબી ગયો... આ બનાવ અંગે મુંદરા પોલીસ મથક અને સંબંધિત સૂત્રો પાસેથી મળેલી માહિતીની સિલસિલાવાર વિગતે વાત કરીએ તો મૂળ રાજસ્થાન અને હાલે મુંદરાના સાડાઉમાં રહેતો 23 વર્ષીય યુવાન ગૌરવકુમાર રમેશકુમાર ઉર્ફે ચંદ્રકાંત આચાર્યનું ગઇકાલે બપોરે 1.10 વાગ્યાના અરસામાં મોટા કપાયા-પ્રાગપર વચ્ચે આવેલી નર્મદા કેનાલનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ગઇકાલે આ નર્મદા કેનાલ પાસે ગૌરવકુમારની પ્રેમિકાએ પાણીમાં પડવાની મજાક કરતાં તે અકસ્માતે પાણીમાં પડી ગઇ હતી. આથી તેની પ્રેમિકાને  બચાવવા જતાં ગૌરવકુમારે પણ કેનાલમાં છલાંગ લગાવી હતી. આ વચ્ચે પ્રેમિકાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કમનસીબે ગૌરવકુમાર પાણીમાં ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હતભાગી ગૌરવકુમારના ભાઇ ચંદનકુમારે  આજે મુંદરા પોલીસ મથકે વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd