ભુજ, તા. 10 : પાંચ દિ' પૂર્વે ભુજની કોર્ટને અને એનાથી પહેલાં ભુજની
પોસ્ટ આફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇ-મેઇલ મારફત મળી હતી, ત્યારે આજે ફરી ભુજની પોસ્ટ ઓફિસને બોમ્બથી ફૂંકી મારવાનો ધમકીભર્યો ઇ-મેઇલ
મળતાં પોલીસ, બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની છાનબીન આદરતાં કંઇ ન
મળતાં હાશકારો અનુભવાયો હતો. વારંવાર આ રીતે ધમકીભર્યા ઇ-મેઇલ થકી તંત્રની દોડધામ વધે
છે અને લોકો પણ ઉચાટ જીવ સાથે મુશ્કેલીમાં મૂકાતા હોવાથી આવા તત્ત્વોને ઝડપી અન્યોમાં
પણ ધાક બેસે તેવી કાર્યવાહી પર લોકો જોર મૂકી રહ્યા છે. આજે સવારે ભુજની વડી ટપાલ કચેરીમાં
ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઇ-મેઇલ આવતાં પોલીસને જાણ કરાઇ હતી. આથી પોલીસ કર્મચારીઓની
સાથોસાથ બીડીડીએસની ટીમ બોમ્બ ડિટેક્ટર મશીન સાથે ધસી આવી હતી. તકેદારીના ભાગરૂપે પોસ્ટ
કચેરી અને સંકુલને ખાલી કરાવી છાનબીન કરી હતી, પરંતુ કંઇ ન મળતાં
રાબેતા મુજબ કચેરી શરૂ કરી દેવા પોલીસે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,
ગત તા. 28/2ના પણ ભુજ
સહિત અનેક પોસ્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યો હતો, જેમાં થોડા દિવસો બાદ બંગાળની આરોપીને ઝડપી
લેવાયો હતો. આ બાદ પાંચમી માર્ચે ભુજની કોર્ટને પણ આ રીતે બોમ્બથી બ્લાસ્ટ કરવાનો ઇ-મેઇલ
મળ્યો હતો અને ફરી પોસ્ટ કચેરીને આવો જ ઇ-મેઇલ મળતાં પોલીસ સહિતના તંત્રમાં દોડધામ
થાય છે. કચેરી સંકુલમાંના લોકો પણ પરેશાન થાય છે, પરંતુ તકેદારીના
ભાગરૂપે છાનબીન પણ જરૂરી છે. આમ, છેલ્લા 12 દિવસમાં ત્રીજી વખત ભુજની સરકારી
કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની આ રીતે ધમકી આપી તંત્ર અને લોકોના જીવ અદ્ધર કરી સમયનો
વ્યય કરાવનારા તત્ત્વો પર કડક કાર્યવાહી કરવા
માંગ ઊઠી રહી છે.