• બુધવાર, 11 માર્ચ, 2026

ગાંધીધામમા નવ મહિનામાં વીજ વપરાશ પાછળ 1.35 કરોડ ખર્ચાયા

ગાંધીધામ, તા. 10 :  ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં પાણીના ટાંકાઓ, બગીચાઓ તેમજ સ્ટ્રીટલાઈટોના વીજબિલ પાછળ મહિને લાખો રૂપિયા અને વર્ષે ત્રણ કરોડની આસપાસ ખર્ચ થઈ રહ્યો છે, જે જગ્યાઓ ઉપર સોલાર લગાડવામાં આવ્યું છે, ત્યાં વીજબિલમાં લાભ મળે છે. ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનામાં એટલે કે પહેલી એપ્રિલ 2025થી લઈને 31 ડિસેમ્બર 2025 દરમિયાન વીજબિલ પાછળ 1,35,26,408 રૂપિયાનો ખર્ચ થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ લાઈટ વિભાગ પાછળ 1,94,37,375 રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. શહેરના સિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ટાંકા ઉપર અગાઉ દર મહિને 30,000થી વધુનું લાઈટ બિલ આવતું હતું સોલાર લગાડવામાં આવ્યા બાદ અહીં લાઈટ બિલ શૂન્ય થઈ ગયું છે અને મહાનગરપાલિકાને ત્યાં રૂપિયાની બચત પણ થઈ રહી છે, જ્યારે ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા રામબાગ સમ્પ ઉપર 200 કિલો વોટનું સોલાર લગાડવામાં આવતાં અહીં લાઈટબિલમાં બે લાખ સુધીનો લાભ મળી રહ્યો છે. અગાઉ રામબાગ ટાંકા ઉપરનું 12 લાખ સુધીનું બિલ આવતું હતું, જે હાલના સમયે લગભગ 10 લાખની આસપાસનું બિલ આવે છે. સોલારથી ઘણો લાભ થઈ રહ્યો છે, પરંતુ ગાંધીધામ સંકુલમાં માત્ર બે ટાંકા ઉપર જ સોલાર લગાડવામાં આવ્યું છે. શિણાય ડમ્પિંગ સાઈડની જમીન ઉપર સોલાર પાર્ક ઊભું કરવાની વાત હતી, તત્કાલીન સમયની નગરપાલિકાએ કાર્યવાહી કરી હતી, પરંતુ ત્યાર પછી તેમાં કોઈ કાર્યવાહી ન થતાં હાલ તો આ સોલાર પાર્કની કોઈ હિલચાલ થતી નથી. દર વર્ષે લાઈટબિલ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, વર્ષ 2025/26નાં બજેટમાં વીજ વપરાશના ત્રણ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી તેની સામે નવ મહિનામાં 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. બજેટમાં લાઈટ વિભાગ પાછળ કુલ 5,47,55,000ના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી ચાલુ નાણાકીય વર્ષના નવ મહિના દરમિયાન 1,94,37,375 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જેમાં મહેકમ પાછળ રૂા. 10,19,637, ઈલેક્ટ્રિક લાઈટ પિક્ચર્સ તથા અન્ય સામગ્રી ખરીદવા પાછળ રૂા. 24,76,367 ખર્ચવામાં આવ્યા છે, જ્યારે વીજ વપરાશ પાછળ 1.35 કરોડ, નવા ઇલેક્ટ્રિક પોલ તથા જૂના ઇલેક્ટ્રિક પોલને કલર રીપેરિંગ કામ પાછળ રૂા. 2,39,303, સ્ટ્રીટ લાઈટો માટે નવા થાંભલા તથા વીજવાયર ખેંચવા પાછળ 2,56,200, આઉટસોર્સિંગ નિભાવની તથા જાળવણી પાછળ રૂા. 19,16,000નો ખર્ચ કરવામાં આવ્યો છે. અન્ય પરચૂરણ માટે 3460 રૂપિયાનો ખર્ચ કરાયો છે, સૌથી વધુ ખર્ચ લાઈટબિલ પાછળ થયો છે. - સોલાર માટે પાંચ ટાંકા અને એક પાલિકા ઓફિસનો સર્વે કરાયો :  મહાનગરપાલિકા હસ્તકના પાણીના ટાંકાઓનું દર મહિને 20 લાખ રૂપિયાનું,  23 હજાર સ્ટ્રીટ લાઈટનું 12 લાખ રૂપિયાનું બિલ આવે છે અને ગાંધીધામ સ્થિત કચેરીનું 70થી 80 હજારનું લાઈટબિલ આવે છે. જો સોલાર લગાડવામાં આવે, તો ગાંધીધામ કચેરીનું લાઈટબિલ શૂન્ય થઈ શકે તેમ છે અને ટાંકાઓ ઉપર પણ મોટી રાહત મળી શકે છે. જીયુડીસી દ્વારા સોલાર લગાડવા માટે પાલિકાની મુખ્ય કચેરી, ડીસી પાંચનો પાણીનો ટાંકો તથા સુંદરપુરી, સેક્ટર ચાર, જગજીવન પાણીનો ટાંકો અને 9/બી ભારતનગરના પાણીના ટાંકાનો સર્વે કરવામાં આવ્યો છે. સરકારના સબસીડીવાળા સોલારમાં 40 કિલો વોટથી વધુનું કનેક્શન હોય, તો તે જગ્યાએ સોલાર લગાવી શકાય છે  ને એટલા માટે જ આ ટાંકાઓ અને ઓફિસનો સર્વે કરવામાં આવ્યો છે. સંભવત  આગામી સમયમાં અહીં સોલાર લાગે તેવી શક્યતાઓ છે. - જમીન મળે, તો સોલાર પાર્ક ઊભું થઈ શકે છે  : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં મહાનગર પાલિકા હસ્તકની કોઈ જમીન નથી નવી કચેરીઓ અને લાઇબ્રેરી તેમજ અન્ય પ્રકલ્પ માટે દિન દયાલ પોર્ટ ઓથોરિટી પાસેથી જમીન મળી છે આદિપુરમાં એસઆરસી પાસેથી જમીન મળી છે અને હજુ પણ અલગ અલગ પ્રકલ્પ માટે જમીનની જરૂરિયાત છે ખાસ કરીને જે લાખો કરોડ રૂપિયા ના બીજ બીલ આવે છે તેને ઘટાડવા માટે સોલાર પાર્કની જરૂરિયાત છે મહાનગરપાલિકા વિસ્તારમાં જમીન મળે તો સોલાર પાર્ક બની શકે તેવી સંભાવના છે. - ત્રણ ગામનું લાઈટ બિલ 30 હજાર આવે છે : મહાનગરપાલિકામાં 11 ગામનો સમાવેશ થયો છે તે પૈકી મીઠી રોહર શિણાય અને મેઘપર બોરીચીમાં જે તત્કાલીન પંચાયતના ચોપડા ઉપર 3000 સ્ટ્રીટ લાઇટો નોંધાયેલી છે અને તેનું દર મહિને લગભગ 30 હજાર રૂપિયા નું લાઈટ બિલ આવે છે. તે મહાનગરપાલિકા ભરપાઈ કરે છે. અન્ય ગામોની આ વ્યવસ્થાને ચકાસણીઓ કરવામાં આવી રહી છે   

Panchang

dd